કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે ચાલતા મોલ અને દબાણોને લઈને નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો; ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.
શહેરના હાર્દ સમાન વિસ્તારમાં આવેલા મોતીલાલ માર્કેટમાં ગત રાત્રી દરમિયાન એક દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નવરાત્રીના તહેવારોની સિઝન ચાલી રહી છે, ત્યારે જ દુકાનમાં આગ લાગવાના કારણે અંદર રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનાને પગલે વેપારીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળતા રાત્રિના સમયે જ ઘટના સ્થળે લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને સતત જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા બચાવ કામગીરીમાં મદદરૂપ થવા ઈડર પોલીસનો સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.
આ દુર્ઘટના બાદ સ્થાનિક નગરપાલિકા તંત્રની કામગીરી અને નિયમોના પાલન અંગે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જે કોમ્પ્લેક્સમાં આ દુર્ઘટના ઘટી છે ત્યાં વાહનોના પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી જગ્યામાં ગેરકાયદેસર રીતે આખો મોલ ચલાવવામાં આવી રહ્યો છે. પાર્કિંગની જગ્યામાં થયેલા આવા વ્યાપારી દબાણોને કારણે કટોકટીના સમયે ફાયર બ્રિગેડના વાહનો અને બચાવ ટીમોને કામગીરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નોંધનીય છે કે, માત્ર આ એક કોમ્પ્લેક્સ જ નહીં પરંતુ શહેરના મોટાભાગના કોમ્પ્લેક્સના પાર્કિંગોમાં હાલમાં ગેરકાયદેસર રીતે ધંધા-રોજગાર ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકા તંત્ર દ્વારા આ પ્રકારના બાંધકામો અને દબાણો સામે આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભવિષ્યમાં આવી કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં તંત્ર સઘન તપાસ કરી પાર્કિંગની જગ્યાઓ ખુલ્લી કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
