ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનો નિર્ણય; 14થી 19 ઓક્ટોબર સુધી મુસાફરોની સુવિધા માટે વિશેષ સમયપત્રક જાહેર
અમદાવાદમાં નવરાત્રિ ઉત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો ટ્રેન સેવાનો સમય લંબાવવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં સવારે 6:20 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી કાર્યરત રહેતી મેટ્રો સેવા હવે 14 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર, 2026 દરમિયાન મધરાત્રીના 2 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, વસ્ત્રાલ ગામથી થલતેજ ગામના રૂટ પર છેલ્લી મેટ્રો રાત્રિના 2 વાગ્યે વસ્ત્રાલ ગામ તરફથી અને રાત્રિના 2:12 વાગ્યે થલતેજ ગામ તરફથી ઉપડશે.
એ જ રીતે, એપીએમસીથી કોટેશ્વર રોડ રૂટ પર છેલ્લી મેટ્રો એપીએમસીથી રાત્રિના 2:14 વાગ્યે અને કોટેશ્વર રોડથી રાત્રિના 2:07 વાગ્યે ઉપડશે. જ્યારે એપીએમસીથી સેક્ટર-1 રૂટ પર છેલ્લી મેટ્રો એપીએમસીથી રાત્રિના 12:44 વાગ્યે અને સેક્ટર-1થી રાત્રિના 12:38 વાગ્યે ઉપડશે.
મેટ્રો ટ્રેનના લંબાવાયેલા સમયગાળા દરમિયાન મુસાફરો માટે પ્રતિ ટિકિટ માત્ર રૂ. 50નો વિશેષ દર નક્કી કરવામાં આવ્યો છે. આ ટિકિટ મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે અને તેનો ઉપયોગ માત્ર એક જ મુસાફરી માટે કરી શકાશે.
નવરાત્રિ દરમિયાન ગરબા અને અન્ય ઉત્સવમાં ભાગ લેવા જતા નાગરિકોને રાત્રિના સમયે અવરજવરમાં સુવિધા મળી રહે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને મુસાફરી પહેલાં સંબંધિત રૂટનું સમયપત્રક ચકાસી લેવા સલાહ આપવામાં આવે છે.
