સફાઈ દરમિયાન મળેલી સ્યુસાઈડ નોટમાં ખુલાસો થતાં મૃતક યુવતીની માતાએ વડગામડાના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
વડાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ થુરાવાસ ગામની ૨૨ વર્ષીય યુવતીએ માનસિક ત્રાસથી કંટાળીને પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ મામલે મૃતક યુવતીની માતાએ વડગામડા ગામના એક યુવક વિરુદ્ધ વડાલી પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક પલ્લવીબેન રાકેશભાઈ પટેલ અમદાવાદમાં બીએસસી નર્સિંગનો અભ્યાસ કરતી હતી અને છેલ્લા બે મહિનાથી ઘરે રહીને ઓનલાઇન ક્લાસ કરતી હતી. ગત ૧૩ ઓક્ટોબરના રોજ સવારે તેણીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. તે સમયે પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હોવાથી અંતિમવિધિ કરી દેવાઈ હતી.
અંતિમવિધિ બાદ, ૧૫ ઓક્ટોબરે રૂમની સફાઈ કરતી વખતે પલંગ નીચેથી ત્રણ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં વડગામડા ગામના ૨૪ વર્ષીય અવિક્ષીત ભાવેશભાઈ પટેલ નામના શખ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સ્યુસાઈડ નોટ મુજબ, આ યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેના અંગત ફોટા સોશિયલ મીડિયા તથા સમાજમાં વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપી રહ્યો હતો.
છેલ્લા ત્રણ મહિનાથી આરોપી દ્વારા અપાતા અસહ્ય માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલ્યું છે. સ્યુસાઈડ નોટમાં રહેલી વિગતોના આધારે, મૃતકની માતા જશીબેન પટેલે આરોપી અવિક્ષીત પટેલ વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
