૨૦ નવેમ્બરથી ૩૦ માર્ચ સુધી જિલ્લાની તમામ હાઇસ્કૂલોમાં આરોગ્ય શિક્ષણ કાર્યક્રમોનું આયોજન; આયુષ મેડિકલ ઓફિસરોને ખાસ તાલીમ અપાઈ
સાબરકાંઠા: જિલ્લાના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સુદ્રઢ કરવા અને તેમનામાં આત્મવિશ્વાસ વધારવાના ઉદ્દેશ્યથી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત આગામી ૨૦ નવેમ્બરથી ૩૦ માર્ચ સુધી જિલ્લાની તમામ હાઇસ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારી અંગેના આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો યોજવામાં આવશે.
વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ અભ્યાસનું ભારણ, પરીક્ષાનો ડર, સોશિયલ મીડિયા અને મોબાઈલના અતિરેક તેમજ પારિવારિક પરિસ્થિતિઓના કારણે અનેક પ્રકારના માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ બાળકોને યોગ્ય સમયે માર્ગદર્શન પૂરું પાડીને તેમનામાં જીવનના પડકારોનો હકારાત્મક રીતે સામનો કરવાની ક્ષમતા વિકસાવવાનો છે.
શાળાઓમાં આ કાર્યક્રમ શરૂ કરતા પહેલાં પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ આયુષ મેડિકલ ઓફિસરો માટે એક વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાઇફ સ્કિલ ટ્રેનર મુકેશ પરમારે મેડિકલ ઓફિસરોને સમય વ્યવસ્થાપન, જીવનકૌશલ્યો, સકારાત્મક અભિગમ અને નિષ્ફળતામાંથી શીખીને આગળ વધવા જેવા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત તાલીમ દરમિયાન ક્લિનિકલ સાયકોલોજિસ્ટ સુશ્રી ફ્લેમિંગા ખરાડીએ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતા પરિબળો જેવા કે તણાવ, ડિપ્રેશન, શારીરિક દેખાવ અંગેની ટિપ્પણીઓ, અપમાન અને ગેમિંગના અતિરેક અંગે વિસ્તૃત સમજ આપી હતી. સાથે જ, ADHD અને ASD (ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર) જેવી ન્યુરો-ડેવલપમેન્ટલ પરિસ્થિતિઓ વિશે પણ તબીબોને જાણકારી આપવામાં આવી હતી, જેથી બાળકોની વિશિષ્ટ જરૂરિયાતોને પારખી શકાય.
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, શાળાઓમાં યોજાનાર કાર્યક્રમો મારફતે વિદ્યાર્થીઓને ડિજિટલ સાધનોનો સંતુલિત ઉપયોગ કરવા અને પરીક્ષાના તણાવને દૂર કરવા અંગે જાગૃત કરવામાં આવશે. આ સાથે, શિક્ષકોને પણ વિદ્યાર્થીઓના વર્તન અને લાગણીઓમાં થતા ફેરફારોને પૂર્વગ્રહ વિના સંવેદનશીલતાથી સમજીને તેમને જરૂરી સહયોગ આપવા માટે પ્રેરિત કરવામાં આવશે.
સાબરકાંઠા આરોગ્ય વિભાગની આ પહેલથી વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ સક્ષમ અને આત્મવિશ્વાસુ બનશે. દરેક બાળકની ક્ષમતા અને જરૂરિયાતને સમજીને તેમને યોગ્ય સ્વીકૃતિ અને પ્રોત્સાહન પૂરું પાડવાથી ભવિષ્યમાં તેમના સર્વાંગી વિકાસને વેગ મળશે તેવો સંકલ્પ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
