સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પાનોલ ગામે આશરે 48 વર્ષીય બળવંતભાઈ કાળાભાઈ રાવળનું કુવામાં પડી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી.
મળતી માહિતી મુજબ, બળવંતભાઈ રાવળ પાનોલ ગામના રહેવાસી હતા અને છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ પાનોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા કુવામાં પડી ગયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં ઈડર ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કામગીરી હાથ ધરી કુવામાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
બનાવ અંગે ઈડર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતકના કુવામાં પડવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગેની વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.
આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
