સામાન્ય સભાનો વીડિયો વાયરલ થતાં અઢી લાખના કથિત વહીવટની ચર્ચા; તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા
ઈડર તાલુકાની મણિયોર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગૌચર માંથી માટી કાઢવાના મામલે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામ પંચાયતની સામાન્ય સભાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં ગૌચર જમીનમાંથી ખનન અંગે નાણાકીય વહીવટની ચર્ચા થતી હોવાનું સામે આવ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ગૌચર જમીનમાંથી કથિત રીતે રેતી-માટી કાઢવાના મામલે અગાઉ સાત લાખ રૂપિયા સુધીની રકમની ચર્ચા થઈ હતી અને બાદમાં આ રકમ અઢી લાખ રૂપિયા પર નક્કી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. આ સમગ્ર મામલે ડેપ્યુટી સરપંચ સહિત કેટલાક પંચાયત સદસ્યો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે.
સામાન્ય સભા દરમિયાન એક જાગૃત વ્યક્તિ દ્વારા ગૌચર જમીન અને કથિત ખનન અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ ઠરાવ કરવામાં આવ્યો હોવાનું જણાવાય છે. આક્ષેપ મુજબ, કથિત રીતે લેવામાં આવેલી રકમ પંચાયતના સત્તાવાર ખાતામાં જમા કરાવવાને બદલે સદસ્યોના ખાતામાં રાખવા અંગે પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. આ બાબતે સરપંચ અને તલાટી સહિત પંચાયતના જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.
સ્થાનિક સ્તરે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ગૌચર જમીનમાંથી મોટા પ્રમાણમાં રેતી અને માટી કાઢવામાં આવી છે. આ પ્રવૃત્તિમાં કેટલા પ્રમાણમાં ખનન થયું, તેની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી હતી અને કથિત નાણાકીય વ્યવહારમાં કોણ-કોણ સંકળાયેલું છે, તે અંગે તપાસ જરૂરી બની છે.
મામલો સામે આવ્યા બાદ ઈડર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે તપાસ દરમિયાન ગ્રામ પંચાયતના ઠરાવો, સામાન્ય સભાની કાર્યવાહી, જમીનનો રેકોર્ડ, ખનન અંગેની મંજૂરીઓ તથા કથિત નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. તપાસના અંતે હકીકતમાં ગેરરીતિ થઈ છે કે નહીં અને જવાબદારી કોની છે તે સ્પષ્ટ થશે.
