અંબાજીથી દર્શન કરી દાહોદ-લુણાવાડા પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓનો છકડો ખાઈમાં ખાબક્યો; ૩ ગંભીર ઈજાગ્રસ્તોને ભિલોડા સિવિલમાં ખસેડાયા, કારચાલક ફરાર
સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. છેલ્લા ૨૪ કલાકમાં અકસ્માતની બીજી ગંભીર ઘટના સામે આવી છે. ઈડર તાલુકાના મુડેટી પાટિયાથી માલાસા વચ્ચે એક બેકાબૂ ખાનગી કારે છકડાને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં છકડામાં સવાર ૮ જેટલા પદયાત્રીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને આ તમામ પદયાત્રીઓ છકડામાં સવાર થઈને પોતાના વતન દાહોદ અને લુણાવાડા તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં પૂરપાટ ઝડપે આવતી એક ખાનગી કારના ચાલકે છકડાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાનું વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
કારની ટક્કર એટલી ભયંકર હતી કે છકડો રોડ પરથી ફંગોળાઈને બાજુના ખાડામાં પલટી ખાઈ ગયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ૮ લોકોમાંથી ૩ પદયાત્રીઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તબીબો દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી છે. સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર વાહનચાલકો દ્વારા બેફામ ડ્રાઇવિંગના કારણે અકસ્માતોનો સિલસિલો વધતા સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક નિયમન અને વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
