ઉત્તર ગુજરાતની અગ્રણી અને મલ્ટી-સ્ટેટ શિડ્યુલ્ડ બેન્કનો દરજ્જો ધરાવતી ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક લી. ની ઈડર શાખા દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના આદેશ મુજબ બુધવાર, તા. ૦૨-૦૯-૨૦૨૬ ના રોજ સભાસદો, ગ્રાહકો અને સ્થાનિક નાગરિકો માટે એક વિશેષ ‘નોટ અને કોઈન એક્સચેન્જ મેળા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બજારમાં પ્રવર્તતી છૂટા નાણાં અને નાના મૂલ્યના સિક્કાઓની તંગી વચ્ચે, તહેવારોના સમયમાં બેંકના મેનેજમેન્ટ દ્વારા લેવાયેલું આ પગલું લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.
આ એક્સચેન્જ મેળા અંતર્ગત બેંકની ઈડર શાખામાંથી સવારથી જ નવી રૂ. ૧૦ અને ૨૦ ની નોટોના ફ્રેશ બંડલ તેમજ રૂ. ૫, ૧૦ અને ૨૦ ના સિક્કાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેંક દ્વારા આશરે કુલ રૂ. ૬ લાખની ફ્રેશ નોટો અને સિક્કાઓ ગ્રાહકોને પૂરા પાડવામાં આવ્યા હતા. છૂટા પૈસા મેળવવા માટે આકરા તાપમાં પણ સ્થાનિક વેપારીઓ અને આસપાસના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભારે ભીડ જોવા મળી હતી.
નાના વેપારીઓ અને સામાન્ય જનતાની છૂટા પૈસાની જરૂરિયાત પૂરી થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિશેષ વાત એ રહી કે, જે લોકોનું આ બેંકમાં ખાતું ન હતું તેમણે પણ આ મેળાનો લાભ લીધો હતો અને બેંકની આ ઉત્તમ કામગીરીથી પ્રભાવિત થઈ ભવિષ્યમાં આ બેંકમાં ખાતું હોવું જરૂરી છે તેવી આશા વ્યક્ત કરી હતી.
મહેસાણા અર્બન બેંકના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સવારથી જ ભારે ઉત્સાહ અને નિષ્ઠાપૂર્વક લોકોને સેવા પૂરી પાડવામાં આવી હતી. બેંકની આ લોકઉપયોગી પહેલને ઈડરની જનતાએ આવકારીને બિરદાવી હતી. માત્ર શ્રેષ્ઠ બેન્કિંગ સેવાઓ જ નહીં, પરંતુ પ્રજાની વચ્ચે રહીને સામાજિક જવાબદારી નિભાવવાના બેંકના આ સકારાત્મક અને ગ્રાહકલક્ષી અભિગમની લોકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.

