મહાસિદ્ધિ લાયબ્રેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂર્ધન્ય કવિ પ્રતાપસિંહજી ડાભી ‘હાકલ’ના હસ્તે પુસ્તક લોકાર્પણ: ૮૦ વર્ષની ઉંમર બાદ સાહિત્ય સર્જનમાં સક્રિયતા અકબંધ
હિંમતનગર: હિંમતનગર સ્થિત મહાસિદ્ધિ લાયબ્રેરી ખાતે ઈડરના જાણીતા સાહિત્યકાર જયેશચંદ્ર પરમાર અને જયાબેન પરમાર દ્વારા રચિત સંયુક્ત કાવ્યસંગ્રહ “જ્યા જયેશ કલનાદ”નો વિમોચન સમારોહ યોજાયો હતો. આ નૂતન પુસ્તકનું લોકાર્પણ ગુજરાતના મૂર્ધન્ય કવિ અને સાહિત્યકાર પ્રતાપસિંહજી ડાભી ‘હાકલ’ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સાહિત્યિક કાર્યક્રમમાં મહાસિદ્ધિ લાયબ્રેરીના સંસ્થાપક વિજયકૃષ્ણ અર્ટોરા, કવિ રામભાઇ ખેરોલિયન, મધુસૂદન પટેલ ‘મધુ’, સૂરદાસજી ડૉ. લાભુભાઈ લાવરિયા, પ્રો. નીલિમા પટેલ અને કવિ રમેશ પટેલ ‘x’ સહિતના અનેક સાહિત્યકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સ્થાનિક કલાકારોએ સુંદર ગીત-સંગીતની પ્રસ્તુતિ કરીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, “જ્યા જયેશ કલનાદ” એ જયેશચંદ્ર પરમારનું પાંચમું સાહિત્યિક પ્રકાશન છે. આ સિવાય, આગામી સમયમાં તેમનો સૉનેટ સંગ્રહ “અહાગરો”, લગ્નગીતોનો સંગ્રહ “લીલુડા વાંસની વાંસળી”, તેમજ “અવની અંબર” અને “આધાર શીલા” નામની બે નવલકથાઓ પણ પ્રકાશન પ્રક્રિયા હેઠળ છે.
ગુજરાતી સાહિત્ય જગતમાં ૮૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ સાહિત્ય લેખનમાં સક્રિય રહેનારા જયેશભાઈ દ્વિતીય સાહિત્યકાર છે, જે સૌ માટે પ્રેરણાદાયક છે. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સાહિત્યપ્રેમીઓએ આ નવા સંયુક્ત કાવ્યસંગ્રહને ઉમળકાભેર વધાવીને બંને સર્જકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
