ખેડૂતોને દર ચાર મહિને રૂ. 2,000 અને વાર્ષિક રૂ. 6,000ની સહાય સીધી બેંક ખાતામાં જમા કરાય છે
ખેડૂતોને ખેતી માટે બિયારણ, ખાતર, દવાઓ સહિતની કૃષિ જરૂરિયાતો પૂરી કરવામાં આર્થિક સહાય મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને રૂ. 2,000ના ત્રણ હપ્તા મુજબ વાર્ષિક કુલ રૂ. 6,000ની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે કોઈપણ વચેટિયા વિના સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં યોજનાના 23 હપ્તા ખેડૂતમિત્રોને ચૂકવવામાં આવ્યા છે.
યોજનાનો લાભ નિયમિત રીતે મેળવવા માટે ખેડૂતમિત્રોએ ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કરાવવી તેમજ લેન્ડ સીડિંગ (જમીનની વિગતોની ચકાસણી) કરાવવી જરૂરી છે. આ પ્રક્રિયા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC), ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત વીસી (VC) અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરીને પૂર્ણ કરાવી શકાય છે.
આ માટે ખેડૂતમિત્રોએ આધાર કાર્ડ, બેંક પાસબુક તથા જમીનના 7/12 અને 8-અના ઉતારા જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવાના રહેશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભ અંગે કોઈ મૂંઝવણ હોય અથવા ઈ-કેવાયસી અને લેન્ડ સીડિંગની પ્રક્રિયામાં માર્ગદર્શનની જરૂર હોય તો ખેડૂતમિત્રો સંબંધિત તાલુકાના તાલુકા વિકાસ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકે છે.
સાબરકાંઠા જિલ્લાના તમામ પાત્ર ખેડૂતમિત્રોને યોજનાનો લાભ મેળવવા માટે ઈ-કેવાયસી અને લેન્ડ સીડિંગની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરાવવા સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્રારા અપીલ કરવામાં આવી છે.
