default
થરાદ અને રાધનપુરના નવા પ્રોજેક્ટ્સથી છાણના પ્રોસેસિંગની દૈનિક ક્ષમતા ૫૧૫ મેટ્રિક ટન થશે: સ્વચ્છ ઊર્જા, સેન્દ્રિય ખાતર અને પશુપાલકોની આવકને મળશે મોટો વેગ
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૦ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી થરાદ અને રાધનપુર સ્થિત બનાસ ડેરીના બે નવા બાયો-સીએનજી (Bio-CNG) પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે.
નવા સ્થપાનારા આ બે પ્લાન્ટ્સમાં સંયુક્ત રીતે દૈનિક ૧૭૫ મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ કરવામાં આવશે. જેમાં થરાદ પ્લાન્ટની ક્ષમતા પ્રતિદિન ૭૫ મેટ્રિક ટન અને રાધનપુર પ્લાન્ટની ક્ષમતા ૧૦૦ મેટ્રિક ટન રહેશે. આ પ્રોજેક્ટથી સ્વચ્છ ઊર્જા અને સેન્દ્રિય ખાતરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે.

બનાસ ડેરીનું આ મૉડલ પશુપાલકો માટે આર્થિક રીતે અત્યંત ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. આ વ્યવસ્થા હેઠળ પશુપાલકો પાસેથી છાણ ખરીદવામાં આવે છે, જેથી તેમને પૂરક આવક મળે છે. પ્રોસેસિંગ બાદ બનેલા બાયો-સીએનજીનો વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ થાય છે અને બાકી રહેતી સ્લરીમાંથી ઘન તથા પ્રવાહી સેન્દ્રિય ખાતર બનાવી ‘ભૂમિ અમૃત’ બ્રાન્ડ હેઠળ ખેડૂતોને અપાય છે.
ઉલ્લેખનીય છે કે, ગોબરમાંથી તૈયાર થતો આ બાયો-સીએનજી બજારમાં મળતા સામાન્ય સીએનજીની સરખામણીએ ગ્રાહકોને રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બનાસ ડેરી દ્વારા હાલમાં દરરોજ આશરે ૬,૧૦૦ કિલોગ્રામ બાયો-સીએનજીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં અંદાજે ૨૮ લાખ પશુધન છે, જેમાંથી ૨૪ લાખ પશુઓ બનાસ ડેરી સાથે જોડાયેલા છે અને રોજના ૨૪,૦૦૦ મેટ્રિક ટન છાણનું ઉત્પાદન થાય છે. ડેરીએ વર્ષ ૨૦૨૦માં ડીસાના દામા ખાતે ૪૦ મેટ્રિક ટનની ક્ષમતાવાળો પ્રથમ પ્લાન્ટ શરૂ કર્યો હતો. ત્યારબાદ સુઝુકી મોટર કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના સહયોગથી આગથળા, ભૂખલા અને વીંછીવાડી ખાતે ૧૦૦ મેટ્રિક ટનની ક્ષમતાવાળા વધુ ત્રણ પ્લાન્ટ્સ કાર્યરત કરાયા હતા.

હાલમાં કાર્યરત આ ચાર પ્લાન્ટ્સ સંયુક્ત રીતે દૈનિક ૩૪૦ મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ કરી રહ્યા છે. જેમાંથી દરરોજ અંદાજે ૬,૧૫૦ કિલોગ્રામ બાયો-સીએનજી, ૮૩ મેટ્રિક ટન ઘન સેન્દ્રિય ખાતર અને ૨૬૦ મેટ્રિક ટન પ્રવાહી સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન થઈ રહ્યું છે.
થરાદ અને રાધનપુરના નવા પ્લાન્ટ્સ કાર્યરત થતાં બનાસ ડેરીના બાયો-સીએનજી પ્લાન્ટ્સની કુલ સંખ્યા છ થઈ જશે. આ સાથે જ જિલ્લામાં છાણના પ્રોસેસિંગની સંયુક્ત દૈનિક ક્ષમતા વધીને ૫૧૫ મેટ્રિક ટન સુધી પહોંચી જશે.
આ પ્રોજેક્ટ પર્યાવરણની જાળવણીમાં પણ મહત્વનો ભાગ ભજવશે. ખુલ્લામાં પડેલા છાણમાંથી ઉત્સર્જિત થતો મિથેન વાયુ કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૨૮ ગણી વધુ ગરમી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. બનાસ ડેરીના આ છ પ્લાન્ટ્સ મિથેનને સ્વચ્છ બળતણમાં ફેરવીને વાર્ષિક અંદાજે ૩૩,૪૦૦ થી ૩૪,૬૦૦ ટન જેટલું કાર્બન ઉત્સર્જન અટકાવવામાં મદદરૂપ બનશે.
