લાયસન્સ ધરાવતા અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ બિયારણ-ખાતર ખરીદવા તથા પાકું બિલ મેળવવા નાયબ ખેતી નિયામકની તાકીદ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેથી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા આગામી શિયાળુ સીઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે એક મહત્વની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ અખબારી યાદીમાં ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે છેતરપિંડીથી બચવા માટે વિશેષ કાળજી રાખવા જણાવાયું છે.
કૃષિ વિભાગની અપીલ મુજબ, ખેડૂતોએ બિયારણ, ખાતર તથા દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા માન્ય ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવી જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ ન ધરાવતા ફેરીયાઓ, અજાણી પેઢીઓ કે લેભાગુ તત્વો પાસેથી કૃષિ સામગ્રી ન ખરીદવા ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે.
ખરીદી સમયે ખેડૂતોએ વેપારી પાસેથી ફરજિયાતપણે પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો. આ બિલમાં વેપારીનો લાયસન્સ નંબર, પૂરું નામ અને સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર અને વેપારીની સહી હોવી આવશ્યક છે. આ ઉપરાંત, મુદત પૂરી થઈ ગઈ હોય તેવી કોઈપણ કૃષિ સામગ્રીની ખરીદી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.
ખેડૂતોએ હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ અને દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. જો બજારમાં બિનઅધિકૃત કે ભળતા નામવાળા અમાન્ય બિયારણ અને ખાતરનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવે, તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને જાણ કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.
