નવીન ગામતળના ૧ હેક્ટર વિસ્તારમાં વહીવટી તંત્ર અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં શાંતિપૂર્ણ માહોલમાં માપણી અને હદ નિશાનની પ્રક્રિયા હાથ ધરાઈ
ઈડર: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઝુમસર ગામે સર્વે નંબર-૫૦માં છેલ્લા ૩૦ વર્ષ કરતાં વધુ સમયથી રહેલું દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના સંકલનથી આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પાર પાડવામાં આવી હતી.
ઝુમસર ગામના સર્વે નંબર-૫૦માં નવીન ગામતળની નિમણૂક કરવામાં આવી છે, જેમાં કુલ ૧ હેક્ટર ક્ષેત્રફળમાં ૧થી ૬૪ સુધીના કુલ ૬૪ પ્લોટનું આયોજન કરાયું છે. આ પૈકી ૧૪ ગરીબ પરિવારોને વિનામૂલ્યે રહેણાક પ્લોટનો લાભ મળી રહે તે હેતુથી દબાણ હટાવીને પ્લોટની માપણી અને હદ નિશાનની કામગીરી કરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન સરપંચ નરેશભાઈ પટેલ, તલાટી કમ મંત્રી સરોજબેન, ઈડર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી, સર્વેયર, ફોરેસ્ટ સ્ટાફ તેમજ પી.એસ.આઈ. સહિતનો પોલીસ બંદોબસ્ત ઉપસ્થિત રહ્યો હતો. તંત્ર દ્વારા સર્વે નંબર-૫૦ની હદ નક્કી કરી ખૂંટા મારવામાં આવ્યા હતા અને મંજૂર લે-આઉટ પ્લાન મુજબ માપણી કરી પિલ્લર લગાવવામાં આવ્યા હતા. લાભાર્થીઓ પોતાની ફાળવેલી જગ્યા સરળતાથી ઓળખી શકે તે માટે પ્લોટની ચારેય દિશામાં બ્લોક મૂકીને હદ નિશાન કરવામાં આવ્યા હતા.
સમગ્ર દબાણ હટાવ અને માપણીની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. તમામ કામગીરી સુલેહ, શાંતિ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
આ કામગીરી પૂર્ણ થવાથી ૧૪ ગરીબ પરિવારોને રહેણાક માટે જમીન ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. આ બદલ સરપંચ નરેશભાઈ પટેલે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

