હિંમતનગર થી ખેડબ્રહ્મા રેલ્વે લાઈનનું કામ પૂર્ણ થયા બાદ હવે ટૂંક સમયમાં અહીં ઈલેક્ટ્રિક ટ્રેનો દોડતી થશે, પરંતુ આ રેલ્વે પ્રોજેક્ટ અંતર્ગત ઈડર શહેરના મુખ્ય માર્ગ પર બનેલો અંડરબ્રિજ અત્યારે મુસાફરો માટે માથાનો દુખાવો બન્યો છે. લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ અંડરબ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકાયાને હજુ માંડ એક વર્ષ થયું છે, ત્યાં જ તેનું એપ્રોન અને આરસીસી સ્ટ્રક્ચર ધરાશાઈ થવા લાગ્યું છે….
હિંમતનગર ઇડર તેમજ ખેડબ્રહ્માને જોડતા મુખ્ય માર્ગ પર અંડરબ્રિજ બનાવાયો છે, લાખોના ખર્ચે બનાવેલ અંડરબ્રિજ રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે અને નબળી ગુણવત્તાના કામને પગલે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હાલમાં આ બિસ્માર બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જેને પગલે મુખ્ય હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વકરી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નિર્માણ સમયે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે જેને કારણે આટલા ટૂંકા ગાળામાં રિપેરિંગની નોબત આવી છે. તંત્રની આ લાપરવાહીનો ભોગ અત્યારે સામાન્ય જનતા બની રહી છે….
