સરકાર દ્વારા પર્યાવરણની જાળવણી માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, ઈડર શહેરમાં તંત્રની ઢીલી નીતિને કારણે આ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. ઈડર નગરપાલિકા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, પરંતુ પાલિકા તંત્ર માત્ર ‘કાગળ પર’ કાર્યવાહી કરીને સંતોષ માની રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે.
ઠેર-ઠેર કચરાના ઢગલા, પર્યાવરણ અને પશુધનને મોટું નુકસાન
હાલમાં ઈડર શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગ જોવા મળે છે. આ કચરામાં સૌથી મોટો હિસ્સો પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો છે. બજારોમાં વપરાશ બાદ આ પ્લાસ્ટિક જાહેર સ્થળો પર ફેંકવામાં આવે છે, જે પર્યાવરણને દૂષિત કરવાની સાથે-સાથે રખડતા પશુઓ અને પક્ષીઓ માટે પણ અત્યંત હાનિકારક અને જીવલેણ સાબિત થઈ રહ્યું છે.
‘ઢીલી’ કાર્યવાહીને કારણે વેપારીઓમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી
નિયમ મુજબ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આમ છતાં, ઈડરના સ્થાનિક બજારોની દુકાનોમાં આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ અને વપરાશ બેરોકટોક ચાલી રહ્યો છે. આ અંગે નગરપાલિકા તંત્ર દ્વારા ક્યારેક નામ માત્ર પૂરતી તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં ખૂબ જ ઓછો જથ્થો જપ્ત કરી, નજીવો દંડ ફટકારીને સંતોષ માની લેવાય છે. આવી ‘ઢીલી’ કાર્યવાહીને કારણે વેપારીઓમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી.
ગોડાઉનો સામે તંત્ર કેમ લાચાર?
સુત્રો ધ્વારા મળતી માહિતી મુજબ, ઈડર શહેરમાં અમુક મોટા વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જંગી જથ્થો ગોડાઉનોમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. આ ગોડાઉનો મુખ્ય અને જાહેર માર્ગો પર જ આવેલા હોવા છતાં નગરપાલિકાની ટીમ ત્યાં તપાસ કરવાની હિંમત સુદ્ધાં દાખવતી નથી. તંત્રની આ રહસ્યમય ચુપકીદી અને આંખ આડા કાન કરવાની નીતિ પાછળ કોઈ મોટી મિલીભગત કે આર્થિક સાંઠગાંઠ હોવાની આશંકા જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.
સ્થાનિકોની માંગ છે કે આ બાબતે કડક પગલાં લેવાય અને માત્ર નાના દુકાનદારોને દંડવાને બદલે પ્લાસ્ટિકનો જથ્થો છુપાવતા મોટા મગરમચ્છોના ગોડાઉનો સીલ કરવામાં આવે.
