ચોમાસાની શરૂઆત પહેલાં જ ઈડર નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલતો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઈડર નગરપાલિકા સેવા સદનથી માત્ર ૧૦૦ મીટરના અંતરે આવેલા સંવિધાન ચોક નજીક એક ખુલ્લી ગટરમાં ત્રણ ડુક્કર પડી ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્રની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, સંવિધાન ચોક પાસે આવેલી જોખમી અને ખુલ્લી ગટરમાં અચાનક ત્રણ ડુક્કર ખાબક્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ જેસીબી મશીનની મદદથી ભારે જહેમત બાદ બે ડુક્કરને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી, જ્યારે એક ડુક્કર ગટરના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે આ જ મુખ્ય માર્ગ પરથી દરરોજ સર પ્રતાપ સ્કૂલ, સી. કે. સ્કૂલ અને કે. એમ. પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. આગામી ચોમાસામાં જો ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાશે, તો આ ખુલ્લી ગટર કોઈ પણ રાહદારી કે વિદ્યાર્થી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. અંધારામાં અથવા પાણીના ભરાવાને કારણે કોઈ માસૂમ બાળક આ ગટરમાં ખાબકે અને મોટી હોનારત સર્જાય તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.
જાગૃત નાગરિકો અને વાલીઓની ઉગ્ર માંગ
આ ઘટના બાદ સ્થાનિક રહીશો, વાલીઓ અને જાગૃત નાગરિકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે કોઈ માસૂમ આ હોનારતનો ભોગ બને અને કોઈ મોટી જાનહાની થાય તેની રાહ જોયા વગર ઈડર નગરપાલિકા તંત્ર તાત્કાલિક જાગે. સ્થાનિકોએ માંગ કરી છે કે આ ખુલ્લી ગટરની યોગ્ય સાફ-સફાઈ કરી તેને મજબૂત લોખંડની ઝાડી કે ઢાંકણથી તાત્કાલિક બંધ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
