ગુજરાતમાં જ્યાં એક તરફ કડક દારૂબંધીના દાવા કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના એક વ્યસ્ત અને મુખ્ય માર્ગ પર અજાણ્યા તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂની બોટલો ગોઠવી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
વ્યસ્ત રોડ પર દારૂની બોટલોની આડસ, ટ્રાફિકજામ
મળતી માહિતી મુજબ, હિંમતનગરના ભરચક ગણાતા ખેડ-તસીયા રોડ ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા રોડ પર લાઈનસર દારૂની બોટલો ગોઠવી દેવામાં આવી હતી. મુખ્ય માર્ગની અધવચ્ચે જ દારૂની બોટલોની આડસ ઊભી કરી દેવાતા વાહનચાલકો અટવાયા હતા અને રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જાહેર માર્ગ પર દારૂનો આવો નજારો જોઈને સ્થાનિક રહીશો અને વટેમાર્ગુઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
પોલીસના કેમેરા નીચે જ ખુલ્લો પડકાર
સૌથી વધુ ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે, આ આખી ઘટના પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના ત્રીજી આંખ સમાન સીસીટીવી (CCTV) કેમેરાની બિલકુલ નીચે જ ઘટી હતી. પોલીસ આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોવાના દાવા કરે છે, પરંતુ અસામાજિક તત્વોએ પોલીસના આ જ કેમેરાની નીચે દારૂની બોટલો ગોઠવીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે, જેના કારણે પોલીસનું નાક કપાયું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ઘટના સ્થળે પોલીસ કાફલો દોડ્યો
રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારીની વાતો વચ્ચે આ પ્રકારે મોટા પ્રમાણમાં બોટલો રોડ પર ગોઠવાઈ જતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર એ ડિવિઝન પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો અને રોડ પરથી બોટલો હટાવી ટ્રાફિક હળવો કરવાની તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોટો સવાલ: સ્માર્ટ સિટી અને કડક પોલીસિંગના દાવા વચ્ચે, કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરા લાઈવ હોવા છતાં અસામાજિક તત્વો આટલી હિંમત કઈ રીતે કરી ગયા? આ ઘટના અત્યારે હિંમતનગર જ નહીં, પણ આખા જિલ્લામાં ભારે ટોક-ઓફ-ધ-ટાઉન બની છે.
