સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ વૃક્ષારોપણ કરી ગામના પર્યાવરણ મોડેલની સરાહના કરી
એક વર્ષની સફળતા બાદ આસપાસના ૪૦ ગામોમાં પર્યાવરણ જતનનું વ્યાપક આયોજન
હિંમતનગર:
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક અનોખી અને પ્રેરણાદાયી સિદ્ધિ હાસિલ કરી છે. ગામમાં પર્યાવરણની જાળવણી અને હરિયાળી ક્રાંતિ સર્જવાના ઉમદા આશયથી ગ્રામજનો દ્વારા ‘પર્યાવરણ સંભાળ સમિતિ’નું ગઠન કરવામાં આવ્યું હતું.
આ સમિતિ દ્વારા સતત હાથ ધરાયેલા વિવિધ વૃક્ષારોપણ અને માવજતના કાર્યક્રમોના સકારાત્મક પરિણામે માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં ગઢોડા ગામ તથા તેની સીમ વિસ્તારમાં હજારો વૃક્ષો ઉછેરાઈને તૈયાર થઈ ગયા છે. આ સફળતા બાદ હવે આજુબાજુના અન્ય ૪૦ જેટલા ગામોમાં પણ આ જ પ્રકારે પર્યાવરણનું જતન થાય તે માટેનું વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ગામના આ સફળ મોડેલને રાજ્ય કક્ષાથી લઈને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાના હેતુથી સાબરકાંઠા લોકસભા વિસ્તારના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ ગઢોડા ગામની ખાસ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સાંસદશ્રીએ વૃક્ષારોપણ કરીને આ પર્યાવરણ યજ્ઞમાં પોતાની ઉત્સાહભેર સહભાગીદારી નોંધાવી હતી અને ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
મુલાકાત દરમિયાન તેમણે છેલ્લા એક વર્ષમાં થયેલી કામગીરીની સઘન સમીક્ષા કરી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સમિતિના સભ્યો દ્વારા આગામી ૪૦ ગામોમાં પર્યાવરણ જતન માટે હાથ ધરાયેલા સુંદર આયોજનને સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ ખૂબ બિરદાવ્યું હતું. તેમણે ગ્રામજનો અને સમિતિના અથાક પ્રયાસોની સરાહના કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય તેમજ રાજ્ય કક્ષાએ પર્યાવરણ વિભાગના સંલગ્ન અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમન્વય સાધીને ગઢોડા ગામના આ પર્યાવરણલક્ષી વિચારને સમગ્ર ગુજરાત તેમજ દેશભરમાં વ્યાપક બનાવી શકાય તે દિશામાં સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રેરણાદાયી પ્રસંગે ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ, અગ્રણી જે.ડી. પટેલ, ગામના સરપંચ અશ્વિનભાઈ પટેલ, પર્યાવરણ સમિતિના અધ્યક્ષ નવનીતભાઈ પટેલ સહિત સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

