ઇડર (સાબરકાંઠા): દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મંજૂર થયેલી મકાન સહાયના હપ્તા પેટે લાભાર્થી પાસે રૂ. ૧૫,૦૦૦ની લાંચ માંગનાર મનરેગા વિભાગના મસ્ટર કારકુન (મેટ)ને એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકના પત્નીના નામે ‘દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના’ હેઠળ મકાન સહાય મંજૂર થઈ હતી. આ યોજનાના પ્રથમ હપ્તા પેટે રૂ. ૩૦,૦૦૦ ફરિયાદીના બેંક ખાતામાં જમા થયા હતા. રકમ જમા થતાં જ ઈડર તાલુકા પંચાયતના મનરેગા વિભાગ (ઔડા ગ્રામ પંચાયત)માં મસ્ટર કારકુન (મેટ) તરીકે ફરજ બજાવતા રમેશચંદ્ર મણીલાલ પંડયાએ ફરિયાદીને ફોન કર્યો હતો.
આરોપીએ મકાન સહાયના પ્રથમ હપ્તામાંથી રૂ. ૧૫,૦૦૦ લાંચ પેટે માગ્યા હતા અને મનરેગા યોજનાના કામમાં પણ કંઈક ઓછું કરી આપવાની વાત કરી હતી.
ACBએ ગોઠવ્યું સફળ છટકું
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ સાબરકાંઠા ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB સાબરકાંઠા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી. સુથાર તથા તેમની ટીમે છટકાનું આયોજન કર્યું હતું.
તા. ૦૭/૦૮/૨૦૨૬ના રોજ ઇડર તાલુકાના દેશોતર ચાર રસ્તા પાસે આવેલા ‘માં પાર્લર’ ખાતે આરોપીને લાંચની રકમ સ્વીકારવા માટે બોલાવવામાં આવ્યો હતો. છટકા દરમિયાન આરોપી રમેશચંદ્ર પંડયાએ ફરિયાદી સાથે લાંચની માંગણી અંગે હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૧૫,૦૦૦ની લાંચ સ્વીકારી હતી.
લાંચની રકમ સ્વીકારતા જ સ્થળ પર હાજર ACBની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. સ્વીકારેલી રૂ. ૧૫,૦૦૦ની સમગ્ર લાંચની રકમ ACB દ્વારા સફળતાપૂર્વક રિકવર કરવામાં આવી છે.
ACBએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
