હપ્તાખોરીની ‘રહેમનજર’ હેઠળ શટલિયા માફિયા બેફામ, વડાલી જેવી દુર્ઘટનાની રાહ જોતું તંત્ર…!
સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમા કાયદો અને વ્યવસ્થાના ખુલ્લેઆમ લીરેલીરા ઉડતી ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઇડર પોલીસ સ્ટેશન અને DySP કચેરીની બિલકુલ બાજુમાથી જ ખાનગી શટલિયા ચાલકો એક-એક વાહનમાં ઘેટાં-બકરાંની જેમ ૩૫થી ૪૦ મુસાફરોને ઠાંસી-ઠાંસીને મોતની મુસાફરી કરાવી રહ્યા છે. પોલીસ મથકની પાસે જ ચાલતી આ જોખમી હિલચાલ સામે ખાખી વર્દીએ સંપૂર્ણપણે આંખ આડા કાન કરી મૂક સંમતિ આપી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગુજરાત એસ. ટી. ના પિકઅપ બસ સ્ટેન્ડ આગળ ખાનગી શટલિયાનો જમાવડો કરી પેસેન્જર ભરતા ખાનગી વાહનો થી એસ. ટી. ખાતાને વર્ષે દહાડે લાખોનુ નુકશાન થઈ રહ્યુ છે ખાનગી શટલિયા આડેધડ પાર્કિંગ કરી વાહન ભરતા ટ્રાફિક જામ અને જીવલેણ અકસ્માત થવાની પણ સંભાવના છે.
સાઠગાંઠ અને હપ્તાખોરીના ગંભીર આક્ષેપો
સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો મુજબ, પોલીસ અને શટલિયા માફિયાઓ વચ્ચેની કથિત સાઠગાંઠ તથા ‘હપ્તા પ્રથા’ના કારણે નિયમોનુ ઉલ્લંઘન કરતા આ વાહનચાલકોને ખુલ્લો દોર મળી ગયો છે. સામાન્ય નાગરિકો પાસેથી ટ્રાફિક નિયમોના નામે દંડ વસૂલતી પોલીસ પોતાની કચેરી આગળ જ મુસાફરોના જીવ જોખમમાં મુકતા આ વાહનો સામે કડક પગલાં ભરવામાં કેમ લાચાર બની છે, તે મોટો સવાલ છે.
વડાલી અકસ્માતમાથી પણ બોધપાઠ નહીં?
થોડા સમય અગાઉ સાબરકાંઠાના વડાલી પંથકમાં પણ આ જ પ્રકારે ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલા શટલિયા વાહનનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દર્દનાક ઘટના બાદ પણ ઇડર પોલીસ તંત્ર કોઈ સબક શીખવા તૈયાર નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની કચેરીની બાજુમા જ જો આ પ્રકારની લાપરવાહી ચાલતી હોય, તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને અંદરના માર્ગો પર ટ્રાફિક નિયમનની સ્થિતિ કેટલી હદે કથળેલી હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી.
શું તંત્ર કોઈ નિર્દોષનો ભોગ લેવાય તેવા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? હવે જોવાનું એ રહે છે કે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેફામ બનેલા શટલિયાઓ અને તેમને છાવરતા તત્વો સામે ક્યારે લાલ આંખ કરે છે.
