સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના બટાકા પકવતા ખેડૂતોમાં ખાનગી કંપનીઓની નીતિઓ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કોન્ટ્રાક્ટ આધારિત બટાકાની ખેતી કરતા ખેડૂતોએ આજે હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે એક વિશાળ ‘મહાપંચાયત’ યોજીને ખાનગી કંપનીઓ સામે લડતનાં મંડાણ કર્યા છે.
આ મહાપંચાયતમાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિશેષ વાત એ રહી કે ઉત્તર ભારતના ખેડૂત આંદોલનોની જેમ જ અહીં પણ ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને સભાસ્થળે પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપીને કંપનીઓની શોષણખોર નીતિઓ સામે આક્રમક રજૂઆત કરી હતી.
ખાનગી કંપનીઓ સામે વિરોધ નોંધાવતા ખેડૂતોએ મુખ્ય ચાર માંગણીઓ રજૂ કરી છે:
- પોષણક્ષમ ભાવ: બટાકાના ભાવ પ્રતિ 20 કિલોએ ઓછામાં ઓછા રૂપિયા 300 (અથવા તેનાથી વધુ) નક્કી કરવામાં આવે.
- ગેરકાયદેસર કપાત બંધ કરવી: દર 100 કિલોએ 1 કિલોથી લઈને 1 કિલો 600 ગ્રામ જેટલી વજનમાં થતી ગેરકાયદેસર કપાત તાત્કાલિક બંધ કરવામાં આવે.
- બ્રાઉન સ્પોટના નામે કપાત નાબૂદ કરવી: બટાકામાં ‘બ્રાઉન સ્પોટ’ (ડાઘ) હોવાના બહાને કંપનીઓ દ્વારા થતી કપાત સદંતર બંધ કરવી.
- લોડિંગ-અનલોડિંગ ચાર્જ: બટાકાના લોડિંગ અને અનલોડિંગનો સંપૂર્ણ ચાર્જ ખેડૂતોને બદલે ખાનગી કંપનીઓએ ભોગવવો.
મહાપંચાયતમાં એકત્ર થયેલા ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં તેઓની આ વ્યાજબી માંગણીઓ નહીં સંતોષાય તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ પૂરતું આ મહાપંચાયતે ખાનગી કંપનીઓ અને તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે.

