સાબરકાંઠા બેંકની ચૂંટણી લડવા માટે ખોટી રીતે સભાસદ બનવાનું કૌભાંડ, હિંમતનગર કોર્ટે છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો ઉભા કરવા બદલ આરોપીઓ સામે પ્રોસેસ ઈશ્યુ કરી
હિંમતનગરના પાંચમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે નાની ડેમાઈ સેવા સહકારી મંડળીના રેકોર્ડ સાથે ચેડાં કરવાના કેસમાં એક મહત્વનો હુકમ કર્યો છે. કોર્ટે આ કામે આરોપી હંસાબેન મુકેશભાઈ પટેલ, મંડળીના તત્કાલીન સેક્રેટરી પ્રવિણભાઈ શંકરભાઈ પટેલ અને ચેરમેન વિનુભાઈ મૂળજીભાઈ પટેલ સામે આઈ.પી.સી.ની કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૭૧ અને ૧૧૪ મુજબ ફોજદારી કેસ નોંધી પ્રોસેસ ઈશ્યુ કરવાનો આદેશ આપ્યો છે.
આ અંગે દલપુરના રહીશ રવિકુમાર હસમુખભાઈ પટેલે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે હંસાબેન પટેલ ગેરલાયક હોવા છતાં, રાજકીય લાભ મેળવવા માટે નાની ડેમાઈ સેવા સહકારી મંડળીના શેર સભાસદોની યાદીમાં ગેરકાયદેસર રીતે સુધારા કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૧-૨૨ના ઓડિટ મેમામાં સભાસદ યાદીના અનુક્રમ નંબર ૨૩ પર નોંધાયેલા પટેલ રમીલાબેન રમેશભાઈના નામની જગ્યાએ દસ્તાવેજો સાથે છેડછાડ કરીને હંસાબેન મુકેશભાઈ પટેલનું નામ ખોટી રીતે દાખલ કરી દેવામાં આવ્યું હતું.
આ કેસમાં કોર્ટના આદેશથી હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા સી.આર.પી.સી. કલમ-૨૦૨ મુજબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા રજૂ કરાયેલા તપાસ અહેવાલ અને જુદા જુદા ઓડિટરોના નિવેદનો પરથી સ્પષ્ટ થયું હતું કે, વર્ષ ૨૦૧૫-૧૬ની યાદીમાં અનુક્રમ નંબર ૨૩ પર અસલ સભાસદ રમીલાબેનનું જ નામ હતું. પરંતુ ચૂંટણી લડવા માટે મળતિયાઓ સાથે મળીને બનાવટી યાદી ઊભી કરી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસના અહેવાલ અને રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખીને, કોર્ટે પ્રથમદર્શીય રીતે ગુનો બનતો હોવાનું તારણ કાઢ્યું હતું. પરિણામે, મેજિસ્ટ્રેટ દ્વારા તા. ૨૩/૦૯/૨૦૨૬ના રોજ ત્રણેય મુખ્ય આરોપીઓ વિરુદ્ધ પ્રોસેસ ઈશ્યુ કરવાનો આખરી હુકમ કરવામાં આવ્યો છે. જોકે, આ કેસમાં જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ, સાબરકાંઠા) સામે પુરાવા ન જણાતા તેમની સામે પ્રોસેસ ઈશ્યુ કરવાની ફરિયાદીની માંગણી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
