લાલોડા અને ઈડરમાં હાઈ પાવર કમિટીની બેઠક; પાંચ માઇનિંગ લીઝ અંગે માહિતી મેળવી, બ્લાસ્ટિંગથી મકાનોમાં પડેલી તિરાડોની પણ રજૂઆત
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારત સરકાર દ્વારા અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને માઇનિંગની પર્યાવરણીય અસરોના અભ્યાસ માટે હાઈ પાવર કમિટી (HPC)ની રચના કરવામાં આવી છે. કમિટી દ્વારા 8 અને 9 ઓક્ટોબરના રોજ સાબરકાંઠા જિલ્લામાં ફીલ્ડ વિઝિટ યોજી સ્થાનિક લોકોના અભિપ્રાયો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી.
ફીલ્ડ વિઝિટ દરમિયાન ઈડર તાલુકાના લાલોડા ગામ તથા ઈડર નગરપાલિકાના જીમ હોલ ખાતે HPCની બેઠકો યોજાઈ હતી. લાલોડા વિસ્તારમાં આશરે 8 એકરમાં આવેલી પાંચ માઇનિંગ લીઝ અંગે કમિટી દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. આ દરમિયાન માઇનિંગની કામગીરી તેમજ તેના કારણે પર્યાવરણ પર થતી સંભવિત અસરો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં ઈડર ગઢ બચાવો સમિતિના સભ્યો તેમજ પ્રકૃતિપ્રેમીઓએ અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણનો મુદ્દો રજૂ કર્યો હતો. અરવલ્લી વિસ્તાર વનસ્પતિ, ઘાસચારા, પાણીના સ્ત્રોતો અને વન્યજીવો માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવી માઇનિંગ પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
HPC દ્વારા માઇનિંગ લીઝ અંગે અભિપ્રાય માંગવામાં આવતા પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા તમામ માઇનિંગ લીઝ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત, લાલોડા ગામમાં માઇનિંગ લીઝ ધારકો દ્વારા કરવામાં આવતા બ્લાસ્ટિંગના કારણે કેટલાક મકાનોમાં તિરાડો પડ્યાની રજૂઆત પણ કમિટી સમક્ષ કરવામાં આવી હતી.

હવે અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ, માઇનિંગ પ્રવૃત્તિઓ અને સ્થાનિક લોકોની રજૂઆતો અંગે HPC દ્વારા તૈયાર કરવામાં આવનાર રિપોર્ટ પર સ્થાનિકો સહિત વિવિધ વર્ગોની નજર છે. કમિટીના અંતિમ અહેવાલમાં આ રજૂઆતો અને પર્યાવરણીય અસરો અંગે શું નિષ્કર્ષ આવે છે તે મહત્વનું બની રહેશે.

