‘મિશન શક્તિસેટ’ અંતર્ગત દેશભરમાંથી પસંદ થયેલા ૨૦ વિદ્યાર્થીઓમાં ગુજરાતમાંથી એકમાત્ર વિદ્યાર્થિની તરીકે પસંદગી પામી ૧૦૮ દેશોની છાત્રાઓ સાથે સેટેલાઇટ કોડિંગની તાલીમ મેળવી
મહીસાગર જિલ્લાની આદિજાતિ દીકરી વિપા બારિયાએ અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે પોતાની આગવી ક્ષમતા પૂરવાર કરીને સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મહિલા સશક્તીકરણ અને આદિજાતિ વિકાસના એક ઉત્તમ ઉદાહરણ સમાન વિપા બારિયાની પ્રતિષ્ઠિત ‘મિશન શક્તિસેટ’ પ્રોજેક્ટમાં પસંદગી કરવામાં આવી છે.
‘મિશન શક્તિસેટ’ અંતર્ગત સમગ્ર દેશમાંથી કુલ ૨૦ જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યમાંથી વિપા એકમાત્ર વિદ્યાર્થિની તરીકે સ્થાન પામી છે. આ મિશન હેઠળ તેણે વિશ્વના ૧૦૮ દેશોની અન્ય વિદ્યાર્થિનીઓ સાથે મળીને સેટેલાઇટ કોડિંગ અને સેટેલાઇટ ડિઝાઇનિંગ જેવા અદ્યતન વિષયોની સઘન તાલીમ મેળવી હતી.

આ વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન ‘સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા’ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા ખાતે આવેલી ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીમાં ગત તા. ૨૨થી ૩૧ ઓગસ્ટ દરમિયાન આ ૧૦ દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ હતી, જેમાં વિપાએ સક્રિયપણે ભાગ લઈને સ્પેસ ટેક્નોલોજીના વૈશ્વિક પાસાઓનો અભ્યાસ કર્યો હતો.
પોતાની આ વિશિષ્ટ સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતા વિપાએ જણાવ્યું હતું કે, અંતરિક્ષ વિજ્ઞાન અને સેટેલાઇટ ટેક્નોલોજી વિશે જાણવાની તેને બાળપણથી જ ઊંડી જિજ્ઞાસા હતી. વધુમાં તેણે ઉમેર્યું હતું કે, મિશન શક્તિસેટ માટે પસંદગી થવી અને ઈસરો (ISRO) ની મુલાકાત લેવાની અમૂલ્ય તક મળવી, તે તેના માટે એક સ્વપ્ન સાકાર થવા સમાન છે.
