પોશીના પોલીસની કાર્યવાહી; અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ બાદ બાતમીના આધારે બનાસકાંઠાના રૂપપુરા ગામેથી ૨૨ વર્ષીય યુવકને પકડાયો
પોશીના, તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬: સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના છોછર ગામની સીમમાં નોંધાયેલા હત્યાના ગુનાની તપાસના અનુસંધાને પોશીના પોલીસે વધુ એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા અગાઉ આ ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વધુ એક શખ્સની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના તેમજ ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુલદીપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ પોશીના પોલીસની ટીમે આગળની તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના રૂપપુરા ગામે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ધવલભાઈ રમેશભાઈ તરાલ (ઉંમર ૨૨ વર્ષ, રહે. રૂપપુરા, તા. હડાદ, જિ. બનાસકાંઠા)ને પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, પકડાયેલા શખ્સ સામે અગાઉ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ અને ૩૬૬ હેઠળ તથા હડાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની સંબંધિત કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. આ વિગતો અગાઉના પોલીસ રેકોર્ડને આધારે રજૂ કરવામાં આવી છે.
આ કાર્યવાહી પોશીના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એન.બી. વાઘેલા, પી.એસ.આઈ. વી.બી. મેઘનાથી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. હાલ પકડાયેલા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
