સાબરકાંઠા જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી અને સુલેહ જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી લલિત નારાયણ સિંહ સાંદુ દ્વારા ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ અંગે કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ આગામી ૮ ઓગસ્ટ ૨૦૨૬ સુધી સમગ્ર જિલ્લામાં લાઉડસ્પીકર, ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધાત્મક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
પૂર્વ મંજૂરી ફરજિયાત: સક્ષમ સત્તાધિકારીની લેખિત પરવાનગી વગર કોઈપણ જાહેર જગ્યાએ માઇક કે ડી.જે. વગાડી શકાશે નહીં. આ માટે આયોજકે કાર્યક્રમના ઓછામાં ઓછા ૭ દિવસ પહેલાં અરજી કરવાની રહેશે.
સમયમર્યાદા: સાઉન્ડ સિસ્ટમ માત્ર સવારે ૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી જ વગાડી શકાશે. રાત્રે ૧૦:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી પૂર્ણ પ્રતિબંધ રહેશે (સરકારમાન્ય તહેવારોના દિવસોમાં રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી છૂટછાટ).
સાઉન્ડ લિમિટર: સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલ ન હોય તેવા ઓપરેટરોને વગાડવાની મંજૂરી મળશે નહીં.
‘શાંત વિસ્તાર’ (Silence Zone): હોસ્પિટલ, શાળા-કોલેજ, અદાલતો અને ધાર્મિક સ્થળોના ૧૦૦ મીટરના ત્રિજ્યા વિસ્તારમાં લાઉડસ્પીકર કે માઇકના ઉપયોગ પર સજ્જડ પ્રતિબંધ.
ઉશ્કેરણીજનક સામગ્રી પર બેન: માઇક સિસ્ટમ પર કોમી લાગણી દુભાય કે ઉશ્કેરણી ફેલાવે તેવા ભાષણો કે ગીતો વગાડવા પર સંપૂર્ણ મનાઈ.
વિસ્તાર મુજબ નક્કી કરાયેલી ડેસિબલ મર્યાદા:
- રહેણાંક વિસ્તાર: દિવસ – ૫૫ dB | રાત્રિ – ૪૫ dB
- વાણિજ્યિક (કોમર્શિયલ) વિસ્તાર: દિવસ – ૬૫ dB | રાત્રિ – ૫૫ dB
- ઔદ્યોગિક (ઇન્ડસ્ટ્રીયલ) વિસ્તાર: દિવસ – ૭૫ dB | રાત્રિ – ૭૦ dB
- શાંત વિસ્તાર: દિવસ – ૫૦ dB | રાત્રિ – ૪૦ dB
કલેક્ટરના આ જાહેરનામાના હુકમનો અનાદર કે ભંગ કરનાર ઈસમ સામે પોલીસ અને પ્રશાસન દ્વારા કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
