સાબરકાંઠા જિલ્લા LCB પોલીસને એક મોટા બોગસ હનીટ્રેપ અને લૂંટ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. દેરોલ ગામની સીમમાં એક્ટિવા ચાલક પર હુમલો કરી લૂંટ ચલાવવાની અને સારવાર દરમિયાન ભોગ બનનારનું મોત નિપજવાના ચકચારી કેસમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને આંતરજિલ્લા સ્તરે સક્રિય આ તોડબાજ ટોળકીને દબોચી લીધી છે.
પોલીસ તપાસમાં બહાર આવેલા સંસનીખેજ ખુલાસા મુજબ, આ ગિરોહના સભ્યો ફેસબુક પર યુવતીઓના નામે ફેક એકાઉન્ટ બનાવી પુરુષોને પ્રેમજાળમાં ફસાવતા હતા. ત્યારબાદ તેમને હોટલ કે અવાવરૂ સ્થળે મળવા માટે બોલાવવામાં આવતા. ભોગ બનનાર વ્યક્તિ ઘટનાસ્થળે પહોંચે કે તુરંત જ ટોળકીના અન્ય સભ્યો ત્યાં આવી પહોંચતા અને મારમારીને પોલીસ ફરિયાદ કે દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા.
રૂ. ૧૫.૮૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત
પોલીસે દરોડો પાડીને ઘટનાના મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે:
- ૨ કાર
- ૧૪ મોબાઈલ ફોન
- કુલ રૂ. ૧૫,૮૫,૦૦૦/- થી વધુની કિંમતનો મુદ્દામાલ
આ તોડબાજ હનીટ્રેપ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે પોલીસ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે.
