ઈડર નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી આગામી તા. ૨૩ના રોજ યોજાય તે અગાઉ જ એક નવો રાજકીય વિવાદ સામે આવ્યો છે. ચૂંટણીમાં મહિલા ઉમેદવારનું ઉમેદવારી પત્ર તેમના પતિની અન્ય બેંકમાં લોન ઓવરડ્યુ હોવાના બહાના હેઠળ રદ કરી દેવામાં આવતા મામલો ગરમાયો છે. આ મામલે મહિલા ઉમેદવારે ન્યાય મેળવવા અને પોતાનું ફોર્મ માન્ય રખાવવા માટે મહેસાણા સ્થિત ‘બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટ’ના દરવાજા ખટખટાવતા ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવાડો ઊભો થયો છે. આ મામલે મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં ૧૨ તારીખે ફરી સુનાવણી હાથધરાશે .
૧૩ બેઠકો માટે ૨૦ ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ
ઈડર નાગરિક બેંકની ચૂંટણીમાં પહેલાં ૩૮ ફોર્મ માન્ય રહ્યા હતા, જેને કારણે બે સક્ષમ પેનલો વચ્ચે રોચક ચૂંટણી જંગ ખેલાશે તેમ લાગી રહ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ ૧૮ ફોર્મ પરત ખેંચાતા હવે ૨૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ૧૩ સભ્યોની એક પેનલ સામે બાકીના ૭ ઉમેદવારો બાથ ભિડશે. આ ચૂંટણીમાં જ્ઞાતિવાદી સમીકરણો પણ મહત્વનો ભાગ ભજવશે તેમ લાગી રહ્યું છે.
છેલ્લી ઘડીએ રાજકીય કાવતરાંની ચર્ચા
ચૂંટણી જાહેર થયા બાદ સહકારી આગેવાનો દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રાજકીય આકાઓના સહારે પોતાના માનીતાઓને ગોઠવવાની રાજરમત રમાઈ રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અંતિમ દિવસ સુધી બે પેનલો વચ્ચે ટક્કર થવાની શક્યતા હતી, પરંતુ કેટલાક કાવતરાં અને રાજકીય પ્રેશરના કારણે અનેકની રાજકીય કારકિર્દી ખતમ કરી દેવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
