વીર સપૂત કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડની શૌર્યગાથા
ચાંદરણીના વતની કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ ભારતીય સેનાની ૫ આસામ બટાલિયનમાં ફરજ બજાવતા હતા. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમની બટાલિયન જમ્મુ-કાશ્મીરના છામ્બ સેક્ટરમાં તૈનાત હતી.
૫ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ બરસાલા વિસ્તાર નજીક થયેલી લડાઈ દરમિયાન કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડે અદમ્ય સાહસ અને નેતૃત્વનું પ્રદર્શન કર્યું હતું. ઉપલબ્ધ નોંધો અનુસાર, પાકિસ્તાની સેનાના હુમલા વચ્ચે તેમણે પોતાના સાથી જવાનોને સુરક્ષિત સ્થળે પરત જવા સૂચના આપી અને પોતે મોરચે રહ્યા હતા. ત્યારબાદ તેઓ Missing in Action જાહેર થયા હતા.
૧૯૭૧ના યુદ્ધ બાદ કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડનું નામ ગુમ થયેલા ભારતીય રક્ષા કર્મચારીઓની યાદીમાં સામેલ થયું હતું. તેમના પરિવારજનો માટે ત્યારબાદનો સમય અત્યંત સંઘર્ષપૂર્ણ રહ્યો હતો. કેટલાક ભૂતપૂર્વ યુદ્ધકેદીઓ દ્વારા તેમને પાકિસ્તાનની જેલમાં જોયા હોવાના દાવાઓ પણ કરવામાં આવ્યા હતા. પરિણામે તેમના પરિવાર દ્વારા વર્ષો સુધી તેમના અંગેની સાચી માહિતી મેળવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
પરિવારની દેશભક્તિ અને સંઘર્ષની ગાથા
કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ ચાંદરણી ગામના વતની અને મેજિસ્ટ્રેટ હરિસિંહ રાઠોડના ચાર સંતાનોમાં સૌથી નાના હતા. પરિવાર તરફથી મળતી વિગતો અનુસાર, કેપ્ટનશ્રીના મોટા ભાઈ શ્રી દિલીપસિંહ રાઠોડ સહિત પરિવારજનોએ વર્ષો સુધી તેમના જીવન અને યુદ્ધકાળની પરિસ્થિતિ અંગે માહિતી મેળવવા પ્રયાસો કર્યા હતા.
પરિવારે કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ સાથે જોડાયેલા લેખો, પુસ્તકો, પત્રો, દસ્તાવેજો અને અન્ય સાહિત્યને સાચવી રાખ્યું છે, જે તેમના જીવન અને દેશસેવાની યાદોને જીવંત રાખે છે.
ચાંદરણી ગામ અને સમગ્ર સાબરકાંઠા માટે કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડનું જીવન દેશભક્તિ, કર્તવ્યનિષ્ઠા અને શૌર્યનું પ્રેરણાદાયી પ્રતીક છે. તેમની સ્મૃતિને જીવંત રાખવા ચાંદરણી પ્રા. શાળાને પણ તેમના નામ સાથે જોડવામાં આવી છે.
પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ખેડ-ચાંદરણીના શહીદ કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડના પરિવારની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ખેડ-ચાંદરણી ગામના વતની અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અપ્રતિમ શૌર્ય દાખવનાર કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડના નિવાસસ્થાને જઈ તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ શહીદના પરિવાર સાથે આત્મીય સંવાદ સાધી તેમનું સન્માન કર્યું હતું અને દેશની સુરક્ષામાં કેપ્ટન રાઠોડના અમૂલ્ય યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ ગરિમાપૂર્ણ મુલાકાત સમયે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા અગ્રણી કનુભાઈ પટેલ તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને ગામના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શહીદના પરિવાર પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
