યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારની રજાઓના દિવસોમાં ઉમટતી શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. જે. પટેલ દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, આગામી બે માસ સુધી તમામ રવિવારે ટ્રાફિક નિયમન માટે ખાસ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
જે અંતર્ગત, તળેટીથી માચી સુધી જવાના રસ્તા પર માત્ર સરકારી એસ.ટી. બસો, સરકારી વાહનો અને પાવાગઢ ગામની કાયમી ટેક્સી પાસિંગ ગાડીઓ જ અવર-જવર કરી શકશે. ખાનગી ભારે અને હળવા વાહનો માટે માચી ખાતેના પાર્કિંગની ઉપલબ્ધતાને ધ્યાને રાખીને એકસાથે કુલ ૪૫ જેટલા ટોકન વહેલાં તે પહેલાંના ધોરણે જ પ્રવેશ આપવામાં આવશે. જો પાર્કિંગ ફૂલ હશે, તો કોઈપણ ખાનગી વાહનને તળેટીથી ઉપર જવા દેવામાં આવશે નહીં.
પ્રવેશબંધીના પોઈન્ટ્સની વાત કરીએ તો, હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા ચોકડી, વડાતળાવ ચોકડી, ઢીંકવા ચોકડી અને ધનકુવા ચોકડીથી પાવાગઢ તરફ પ્રવેશતા ખાનગી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. તદુપરાંત, પશુઓ દ્વારા ચીજવસ્તુઓ કે માલસામાનનું વહન કરવા પર તેમજ પશુઓ દોરીને જનારાઓ પર માચીથી દુધિયા તળાવ સુધીના રસ્તા પર પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામું તા.૧૯ ઓક્ટોબર ૨૦૨૬ સુધીના તમામ રવિવારના દિવસો માટે અમલી રહેશે. જોકે, આ પ્રતિબંધમાંથી આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી. બસો, સરકારી ફરજ પરના વાહનો અને આરોગ્ય સેવાઓ (એમ્બ્યુલન્સ) ને મુક્તિ આપવામાં આવી છે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ખાનગી પાર્કિંગ સંચાલકોએ પાવાગઢ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરેલા દર કરતા વધુ ચાર્જ વસૂલવો નહીં. તદુપરાંત ખેતીની જમીનો પર થતા ખાનગી પાર્કિંગની જમીનનો કબજેદારોએ જરૂરી પૂર્વ પરવાનગી લેવાની રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
