અરવલ્લી: જિલ્લાના શામળાજી અને મોડાસા ખાતે આવેલા છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનની ગુણવત્તાને લઈને ફૂડ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ અરવલ્લી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર કે. આર. પટેલ દ્વારા વિવિધ શાળાઓ અને છાત્રાલયોમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ તપાસ દરમિયાન શામળાજીની એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સંસ્કાર કેન્દ્ર કુમાર છાત્રાલય, તેમજ મોડાસાની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં તપાસ કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમે છાત્રાલયોમાં રસોડાની સ્વચ્છતા, અનાજ અને અન્ય રો-મટીરીયલનું સ્ટોરેજ તથા વિદ્યાર્થીઓને અપાતા તૈયાર ભોજનની ગુણવત્તાની બારીકાઈથી ચકાસણી કરી હતી.
તપાસ દરમિયાન રો-મટીરીયલ અને તૈયાર ખોરાકના નમૂનાઓ એકત્ર કરી વધુ પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર બી. એમ. ગણવાએ સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહીં. જો છાત્રાલયોમાં પીરસાતા ભોજનમાં સ્વચ્છતા કે ગુણવત્તાના નિયમોનો ભંગ થતો જણાશે તો કસૂરવારો સામે આકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં જિલ્લામાં આવેલી તમામ આશ્રમશાળાઓ, છાત્રાલયો, ભોજનાલયો, ખાનગી મેસ અને કેટરર્સને ત્યાં પણ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવશે.
