અરવલ્લી: ભાદરવી પૂનમના મહામેળાને લઈને લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે પગપાળા જઈ રહ્યા છે. ત્યારે પદયાત્રીઓને રસ્તામાં અપાતું ભોજન શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ હોય તે સુનિશ્ચિત કરવા માટે અરવલ્લી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માર્ગો પર ઊભા કરાયેલા સેવા કેમ્પો અને વિસામાઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી ફૂડ વિભાગ દ્વારા પદયાત્રીઓને સેવાભાવી ગ્રુપો દ્વારા પીરસાતા ગરમ, શુદ્ધ, સાત્વિક અને આરોગ્યપ્રદ નાસ્તા તથા ભોજનની ચકાસણી કરવામાં આવી રહી છે. વિભાગની ટીમો દ્વારા કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ ૧૦ જેટલા સેવા કેમ્પો (વિસામાઓ)ની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.
ફૂડ વિભાગની કામગીરીની આંકડાકીય માહિતી:
- મુલાકાત લીધેલ વિસામા: ૧૦
- ફૂડ ટેસ્ટિંગ: ૧૮
- આયોજકોને ટ્રેનિંગ: ૭ સ્થળોએ
- જાગૃતિ (અવેરનેસ): ૫ સ્થળોએ
આ મુલાકાતો દરમિયાન વિભાગ દ્વારા ફૂડ ચેકિંગની સાથે સાથે વિસામાના સંચાલકોને સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવા અંગે સુમાહિતગાર કરી જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ અંગે અરવલ્લીના ડેઝીગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાએ જણાવ્યું હતું કે, “શ્રદ્ધાળુઓ પ્રવાસી હોય કે સેવાભાવી, તેઓની શ્રદ્ધા ડગવા દેવામાં આવશે નહીં.” પદયાત્રીઓના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા વિસામાઓમાં તપાસની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.

