ઓનલાઈન ભુવાજીના ખેલ પર બ્રેક ક્યારે?
સાબરકાંઠા (પોશીના): ૨૧મી સદીમાં જ્યારે વિજ્ઞાન નવી ઊંચાઈઓ આંબી રહ્યું છે ત્યારે આજે પણ કેટલાક વિસ્તારો અંધશ્રદ્ધાના અંધકારમાં ડૂબેલા છે. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીનામાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ‘ઓનલાઈન મેલડી માતા’ના નામે શંકર નામનો એક ભુવો લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી અંધશ્રદ્ધાના માર્ગે દોરી રહ્યો છે. આ ભુવો દાવો કરે છે કે તે ખેચ, પથરી અને શરીરની ગાંઠ જેવા ગંભીર રોગો મટાડી દે છે! એટલું જ નહીં, તે દીકરા અને દીકરી આપવાનો પણ દાવો કરે છે. ભુવાના સેવકો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને તેનું જોરશોરથી માર્કેટિંગ કરે છે, જેમાં દાવા કરાવવામાં આવે છે કે ઓનલાઈન વીડિયો જોઈને બાધા રાખવાથી સારું થઇ જાય છે હકીકતમાં આ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. આવા ભ્રામક પ્રચારના કારણે લોકો પોતાના નાણાં અને કિંમતી સ્વાસ્થ્ય આવા ઢોંગી ભુવા પાછળ બરબાદ કરી રહ્યા છે. દર્દીઓ ડોક્ટર પાસે જવાના બદલે દર રવિવારે ભરાતા આ ભુવાના દરબારમાં પહોંચી જાય છે. લોકોની માંગ ઉઠી છે કે કોઈ વ્યક્તિ ફરિયાદ ન કરે તો પણ પોલીસે સ્વમેળે નોંધ લઈને આવા અંધશ્રદ્ધા ફેલાવનારા ભુવાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. જેથી લોકોનો જીવ અને તેમના પરસેવાની કમાણી લૂંટાતી બચાવી શકાય.
