ઝૂલતા પુલ નજીક ઠાકોરવાસ સામે બની ઘટના; ફાયર બ્રિગેડ અને 112ની ટીમે યુવકને નદીમાંથી બહાર કાઢ્યો
ખેડબ્રહ્મામાં ગણપતિ વિસર્જન દરમિયાન હરણાવ નદીમાં એક દુઃખદ ઘટના બની હતી. નદીમાં ડૂબી જતાં 18 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, હરણાવ નદીના પટમાં ઝૂલતા પુલ નજીક ઠાકોરવાસ સામે ગણપતિ વિસર્જન દરમિયાન આ ઘટના બની હતી. 18 વર્ષીય વિપિન જગદીશકુમાર બારોટ નદીમાં ડૂબી ગયો હતો.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ તથા 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી યુવકને નદીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
જોકે, સિવિલ હોસ્પિટલ ખાતે તબીબોએ તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો. આકસ્મિક નિધનના સમાચાર મળતાં જ મૃતક વિપિન બારોટના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
