અખિલ ગુજરાત ગરબા સ્પર્ધામાં ૨૦૦ જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ૧૯ ગરબાની મનમોહક પ્રસ્તુતિઓ રજૂ કરી
ઈડર ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા, રાષ્ટ્રીય અંધજન મંડળ ગુજરાત રાજ્ય શાખા અને રોટરી ક્લબ ઈડરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરના રોજ ‘સ્વ. ભદ્રાબેન સતિયા અખિલ ગુજરાત ગરબા સ્પર્ધા-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. ઈડર ટાઉન હોલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્પર્ધામાં આશરે ૨૦૦ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પ્રાચીન અને અર્વાચીન એમ બે વિભાગમાં કુલ ૧૯ ગરબાની રજૂઆતો કરી હતી. તાલ, લય અને અભિવ્યક્તિ સાથે રજૂ થયેલી ગરબાની પ્રસ્તુતિઓ દરમિયાન ભાગ લેનાર બહેનોએ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું.
પ્રાચીન ગરબા વિભાગમાં અંધ કન્યા પ્રકાશ ગૃહ, મેમનગર પ્રથમ ક્રમે રહ્યું હતું. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, સાબરકાંઠાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, રાજકોટ અને શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ, સુરેન્દ્રનગર સંયુક્ત રીતે તૃતીય ક્રમે રહ્યા હતા.
અર્વાચીન ગરબા વિભાગમાં નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, સાબરકાંઠાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બ્લાઈન્ડ પીપલ એસોસિએશન, વસ્ત્રાપુર-અમદાવાદ દ્વિતીય અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, વિસનગર તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા.
કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામિત, ઈડર નાગરિક બેંકના ચેરમેન ચિરાગભાઈ ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગાયિકા અમિતા કનાલની ‘જય અધ્યશક્તિ નવી આરતી’નું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં યુવા સર્જક તથા લેખક ઈશ્વરભાઈ પ્રજાપતિ, સંગીતકાર કમલેશભાઈ વૈદ, રમતગમત અને સાંસ્કૃતિક કમિટીના ચેરમેન યુસુફી કાપડિયા તથા રોટરી ક્લબના બી. ટી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
