વન-વે જાહેર કરાયેલા માર્ગ પર કાર ઘૂસી આવતા સર્જાઈ દુર્ઘટના; જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર દોલગઢ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અંબાજી દર્શનાર્થે જતા પદયાત્રીઓને એક બેફામ કારે અડફેટે લેતા 12 કરતાં વધુ પદયાત્રીઓ હવામાં ફંગોળાયા હતા. આ ગંભીર દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળે અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતનો ભોગ બનેલા તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ભાદરવી પૂનમના મેળાને પગલે પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર દ્વારા હિંમતનગરથી ખેરોજ સુધીનો ૧૧૦ કિલોમીટર લાંબો હાઈવે ખાસ વન-વે જાહેર કરવામાં આવ્યો હતો. કડક નિયમો અને પોલીસ બંદોબસ્ત હોવા છતાં, આ પ્રતિબંધિત માર્ગ પર ગાડી ક્યાંથી અને કેવી રીતે પ્રવેશી તે એક મોટો સવાલ ઊભો થયો છે.
અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બેફામ કાર ચાલકે નિર્દોષ પદયાત્રીઓને અડફેટે લેતાં લોકો રોષે ભરાયા હતા અને અકસ્માત સર્જનાર ગાડીને આગને હવાલે કરી દીધી હતી. ધોરીમાર્ગ પર સળગતી કારના દ્રશ્યોના કારણે થોડા સમય માટે ભયનો માહોલ ઊભો થયો હતો.
ઘટનાની જાણ થતાં જ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક દોલગઢ નજીક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને બચાવ કામગીરી ઝડપી બનાવી હતી. હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તમામ ઈજાગ્રસ્ત પદયાત્રીઓની સઘન સારવાર ચાલી રહી છે, જ્યારે પોલીસે અકસ્માત અને આગજનીના આ બનાવ અંગે સઘન તપાસ હાથ ધરી છે.

