ગત મોડી સાંજે આશરે 12 પદયાત્રીઓને અકસ્માત નડ્યો; બેરીકેડ મુકાયા પરંતુ પોલીસ બંદોબસ્તના અભાવે માર્ગ સુરક્ષા અંગે ચિંતા
ઈડર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત સાંજે પદયાત્રીઓ સાથે અકસ્માતની ઘટના બન્યા બાદ માર્ગ પરની સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં આશરે 12 જેટલા પદયાત્રીઓને અસર પહોંચી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે ત્રણ દર્દીઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ઘટનાને પગલે પદયાત્રીઓમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

અકસ્મત બાદ ઈડર શહેર વિસ્તારમાં માર્ગ પર બેરીકેડ મુકવામાં આવ્યા છે. જોકે, બેરીકેડ સાથે પોલીસ સ્ટાફની સતત હાજરી ન હોવાના કારણે પદયાત્રીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે. માર્ગ પર વાહન વ્યવહાર યથાવત રહેતા પદયાત્રીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
પદયાત્રીઓના જણાવ્યા મુજબ, માર્ગ પરથી પસાર થતા કેટલાક વાહનો ઝડપથી હંકાવવામાં આવતા હોવાથી પદયાત્રીઓ માટે ખાસ સાવચેતી રાખવી પડી રહી છે. અકસ્માત બાદ અસરકારક ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત અંગે પદયાત્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે.
અકસ્મતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર દ્વારા માર્ગ સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને પદયાત્રીઓની અવરજવર માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પદયાત્રીઓએ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધ્યાન દોરી સુરક્ષિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.
