અબોલ જીવો પર ક્રૂરતા આચરનારાઓ સામે પોલીસ ને વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ; કડક પગલાં લેવાની ઉગ્ર માંગ
ઈડર નગરપાલિકા વિસ્તારમાં પવિત્ર ભાદરવા મહિનામાં અબોલ જીવો પર અત્યાચારની એક અત્યંત નિંદનીય ઘટના સામે આવી છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા રખડતા બે નંદી (આખલા) પર જ્વલનશીલ એસિડ ફેંકવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ક્રૂર કૃત્યને પગલે સ્થાનિક લોકો અને ખાસ કરીને જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઈડર શહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા અબોલ પશુઓને નિશાન બનાવીને અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે. એસિડ એટેકનો ભોગ બનેલા આ બે નંદી ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને ભારે શારીરિક પીડા સહન કરવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક જીવદયા પ્રેમીઓ અને સંસ્થાઓની ટીમો તાત્કાલિક દોડી આવી હતી અને પીડિત પશુઓને પ્રાથમિક સારવાર આપવાની કામગીરી હાથ ધરી હતી.
આ ગંભીર અને અમાનવીય મામલે જીવદયા સંસ્થાઓ દ્વારા સ્થાનિક પોલીસ મથકે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આમ છતાં, અત્યાર સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અબોલ જીવો પર એસિડ એટેક જેવા જઘન્ય અપરાધ આચરનારા તત્વો હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેને લઈને તંત્રની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
વારંવારની રજૂઆતોનું પરિણામ શૂન્ય રહેતા લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. હાલ જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે પોલીસ સત્વરે આ મામલાની ગંભીરતા સમજીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરે. નંદી પર એસિડ ફેંકનારા અસામાજિક તત્વોને તાત્કાલિક ધોરણે ઝડપી પાડી તેમની વિરુદ્ધ કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઊઠી છે.
