સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલા મણીયોર ગામમાં સરકારી ગૌચરની જમીનમાંથી રાત્રિના અંધારામાં મોટા પાયે ગેરકાયદેસર માટી ખનન થઈ રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે મણીયોર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ઇડર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરને અજાણ્યા શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મણીયોર ગામના ગૌચર સર્વે નં. ૧૭૫ માં કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે જેસીબી (JCB) અને ટ્રેક્ટર મશીનો મારફતે ગેરકાયદેસર રીતે કિંમતી સરકારી માટીની ચોરી કરવામાં આવી રહી છે. આ સરકારી જમીનની જાળવણી અને દેખરેખની જવાબદારી ગ્રામ પંચાયતની છે. આ માટી ચોરી બાબતે ઇડર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી (પંચાયત) દ્વારા અગાઉ સ્થળ તપાસ કરવામાં આવી હતી, જેમાં માટી ખનનની હકીકત સાબિત થઈ હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા ગત તારીખ ૧૧/૦૮/૨૦૨૬ ના રોજ નોટિસ ફટકારીને ૧૦ દિવસમાં કાર્યવાહી કરવા પંચાયતને જણાવાયું હતું.
તાલુકા પંચાયતની નોટિસ અને વારંવાર થતા ખનનને પગલે મણીયોર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તારીખ ૨૯/૦૯/૨૦૨૬ ના રોજ ઇડર પોલીસને સત્તાવાર પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ગૌચરની જમીનમાંથી પંચાયતની જાણ બહાર બિનપરવાનગી સરકારી માટીની ચોરી કરીને ગૌચરને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આથી આ માટી ચોરી કરતા અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ કાર્યવાહીની જાણકારી માટે પત્રની નકલ તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદાર, ઇડરને પણ મોકલી આપવામાં આવી છે. પત્ર પર કરવામાં આવેલી નોંધ મુજબ, આ મામલે જવાબદારો સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા સૂચન કરાયું છે. હવે જોવું એ રહ્યું કે પોલીસ તંત્ર દ્વારા આ માટી માફિયાઓ સામે કેટલા સમયમાં અને કેવા પગલાં લેવામાં આવે છે.
