સફાઈ અને વિકાસના મુદ્દે કેટલાક સદસ્યોમાં નારાજગીની ચર્ચા; પાલિકા ગ્રુપમાં રજૂઆતો બાદ રાજીનામાની તૈયારીના સંકેતો
ઈડર નગરપાલિકામાં આંતરિક મતભેદને લઈને સ્થાનિક રાજકારણમાં ફરીથી ચર્ચા શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ, નગરપાલિકાની સામાન્ય કામગીરી, સાફ-સફાઈ અને વિકાસના વિવિધ મુદ્દાઓને લઈને કેટલાક સદસ્યોમાં નારાજગી જોવા મળી રહી છે.
ઈડર નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 27 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. બહુમતી સાથે સત્તા સંભાળ્યા બાદ હવે પાલિકાની આંતરિક કામગીરી અને વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓને લઈને સદસ્યો વચ્ચે મતભેદો સામે આવ્યાની ચર્ચા છે.
સફાઈ વ્યવસ્થા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને લઈને અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, રજૂઆતો બાદ અપેક્ષિત કામગીરી ન થતી હોવાના આક્ષેપ સાથે કેટલાક સદસ્યોએ પાલિકાના આંતરિક ગ્રુપમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે.
બીજી તરફ, નગરપાલિકા પ્રમુખ દ્વારા શહેરમાં સફાઈ અને વિકાસના કામોને લઈને કરવામાં આવતા દાવાઓ સામે પણ કેટલાક સદસ્યો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હોવાની ચર્ચા છે. સદસ્યોના જણાવ્યા મુજબ, રજૂ કરાયેલા મુદ્દાઓનું સમયસર નિરાકરણ ન આવતું હોવાને કારણે અસંતોષ વધી રહ્યો છે.
આ સમગ્ર સ્થિતિ વચ્ચે કેટલાક સદસ્યોએ કામગીરીમાં સુધારો નહીં થાય તો રાજીનામું આપવા અંગેની તૈયારી દર્શાવી હોવાની માહિતી સામે આવી છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કોઈ રાજીનામું આપવામાં આવ્યું છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થવાની બાકી છે. નગરપાલિકાના આંતરિક મતભેદોની ચર્ચા વચ્ચે ઈડરના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
