વડાપ્રધાનના જનસેવાના ૨૫ વર્ષની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિ: વર્ચ્યુઅલ સંબોધનથી જનમેદનીમાં ઉત્સાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશ અને રાજ્યની સાથે સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ની પૂર્ણાહુતિ કરવામાં આવી. આ પ્રસંગે હિંમતનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સામાજિક અગ્રણી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સભા દરમિયાન ઉપસ્થિત જનમેદનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું હતું. આ સંબોધન બાદ, કાર્યક્રમમાં હાજર તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકોએ દેશ તથા સમાજના સર્વાંગી વિકાસ માટે ‘સંકલ્પ પ્રતિજ્ઞા’ લીધી હતી. આ ઉપરાંત, મહાનુભાવોના હસ્તે રંગોળી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના ભાગરૂપે સામાજિક અગ્રણી જગદીશ વિશ્વકર્મા અને અન્ય પદાધિકારીઓ દ્વારા જ્વલંત મશાલ સાથે ‘સેવા જ્યોતિ યાત્રા’ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતો અને સૂત્રોચ્ચાર સાથે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી શરૂ થયેલી આ યાત્રા ઉત્સાહપૂર્ણ માહોલમાં મોતીપુરા સર્કલ સુધી પહોંચી હતી. આ યાત્રા થકી સેવા અને રાષ્ટ્રનિર્માણનો સંદેશો આપવામાં આવ્યો હતો, જેમાં સાબરકાંઠાના યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્યો વી.ડી. ઝાલા, રમણલાલ વોરા અને ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા તેમજ જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અને અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો અને વિવિધ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
