ઈડર પંથકમાં મોડી રાતથી વરસી રહેલા વરસાદને કારણે ઈડર-લાલોડા મુખ્ય રોડ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સામાન્ય વરસાદમાં જ ઈડર જનરલ સિવિલ હોસ્પિટલ તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે જળમગ્ન બની જતા સ્થાનિક તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. રસ્તા પર વરસાદી પાણીના નિકાલનો કોઈ જ યોગ્ય પ્રબંધ ન હોવાથી માર્ગે નદીનું સ્વરૂપ ધારણ કર્યું છે.
સિવિલ હોસ્પિટલ તરફ જતા આ સૌથી મહત્વપૂર્ણ માર્ગ પર પાણી ભરાઈ જવાને કારણે સારવાર અર્થે જતા દર્દીઓ અને ઇમરજન્સી વાહનો (એમ્બ્યુલન્સ) ને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ તરફ જતા ઇમરજન્સી વાહનો સહિત દર્દીઓ જીવના જોખમે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. વરસાદી પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, લાલોડા ગામ થઈને ઈડર સિવિલ હોસ્પિટલ તરફ જતા બંને રસ્તાઓ અત્યંત બિસ્માર અને ખરાબ હાલતમાં છે. તંત્રની આ બેદરકારી અને લાપરવાહી સામે સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા થાય તેવી લોકમાંગ ઉઠી છે.
