તાલુકા પ્રમુખ દિવ્યાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા: ‘ખેડૂતનું સન્માન – દેશનું અભિમાન’નો સંકલ્પ લેવાયો
સાબરકાંઠા: ઈડર તાલુકાના પાનોલ ગ્રામ પંચાયત ખાતે તાજેતરમાં “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ દિવ્યાબેન સુભાષભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં મામલતદાર પૂજાબેન જોષી અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોને ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના’ (PM-Kisan) ના લાભો, અરજી પ્રક્રિયા અને અન્ય ખેતીલક્ષી યોજનાઓ અંગે સવિસ્તાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

સરપંચ ઉર્મિલાબેન ભરતકુમાર પાનોલાએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, “ખેડૂત દેશનો અન્નદાતા છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાનામાં નાના ખેડૂત સુધી પહોંચે અને તેઓ આર્થિક રીતે વધુ સમૃદ્ધ બને તે જ આપણો મુખ્ય સંકલ્પ છે.” તેમણે ‘ખેડૂતનું સન્માન – દેશનું અભિમાન’ ના નારા સાથે ખેડૂતોના યોગદાનને બિરદાવ્યું હતું.
આ કાર્યક્રમને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે સ્થાનિક ગ્રામ સેવક તેજલબેન અને કિંજલબેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. પંચાયત દ્વારા બંને ગ્રામ સેવકોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોએ સરકારી યોજનાઓની સીધી માહિતી મળવાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉત્સવ થકી ગ્રામ્ય સ્તરે ખેડૂતોમાં સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ વધશે અને તેઓ વધુ અસરકારક રીતે યોજનાઓનો લાભ લઈ શકશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
