ઈડર: ઈડરમાં ટેક્સ સલાહકાર અને વેપારી પર થયેલા હુમલાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની આ ત્વરિત કામગીરીને બિરદાવવા માટે સનય કોમ્પ્લેક્સના વેપારીઓ અને નરસિંહપુરાના ગ્રામજનોએ ઈડર પોલીસ મથકે પહોંચીને પીઆઈ આર.એ. ચૌધરી તથા તપાસમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓને ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.
સન્માન કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વેપારીઓ અને ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરીને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ પોલીસનો આભાર માન્યો હતો, તેમજ શહેરમાંથી અસામાજિક તત્વોને દૂર કરવા રજૂઆત કરી હતી. આ અંગે પીઆઈ આર.એ. ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવી એ પોલીસની ફરજનો ભાગ છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી યથાવત રહેશે.

ઘટનાની વિગત મુજબ, ઈડર તાલુકાના નરસિંહપુરા ગામના રહેવાસી 62 વર્ષીય નટવરભાઈ શંકરભાઈ પટેલ ઈડરના સનય કોમ્પ્લેક્સમાં ટેક્સ સલાહકાર તરીકે વ્યવસાય કરે છે અને કોમ્પ્લેક્સના ઉપપ્રમુખ પણ છે. ગત 4 નવેમ્બર, 2026ના રોજ વાહન પાર્કિંગ બાબતે તેમને જામરેલા લીમ્ભોઈ રોડ સ્થિત ફાર્મ હાઉસમાં રહેતા ધ્રુવીત ઉર્ફે નવદીપ કિરીટભાઈ પટેલ સાથે તકરાર થઈ હતી. આક્ષેપ મુજબ, આ તકરાર બાદ ધ્રુવીતે સમાધાન માટે રૂ. 5 લાખની માંગણી કરી હતી અને રકમ ન આપવા પર માર મારવાની ધમકી આપી હતી.
ત્યારબાદ 7 નવેમ્બર, 2026ના રોજ સાંજે આશરે 4:00 થી 4:15 વાગ્યાના અરસામાં નટવરભાઈ તેમની આઈ-ટેન ગાડી (GJ 27 BS 9727) લઈને બેંકમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સાપાવાડા સાયન્સ કોલેજ પાસે બમ્પ આવતા તેમણે ગાડી ધીમી પાડી ત્યારે પાછળથી એક બાઈક ચાલકે ટક્કર મારી હતી. નટવરભાઈ ગાડીમાંથી ઉતરીને વાત કરવા જતા બાઈક પર મોઢે રૂમાલ બાંધીને આવેલા ત્રણ શખ્સોએ અપશબ્દો બોલ્યા હતા અને રિવેટવાળા પટ્ટાથી નટવરભાઈને કપાળની ડાબી બાજુ, પેટ તથા પીઠના ભાગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા નટવરભાઈને પ્રાથમિક સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ઈડરની શાશ્વત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે નટવરભાઈની ફરિયાદના આધારે ઈડર પોલીસે ધ્રુવીત ઉર્ફે નવદીપ કિરીટભાઈ પટેલ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 115(2), 118(1), 352, 351(3), 61(2), 54 તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
