સ્થાનિક અને વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ. 32,000થી વધુની ઉથલ-પાથલ જોવા મળી છે.
MCX ફ્યુચર માર્કેટમાં ચાંદીના ભાવમાં આજે તોફાની તેજી જોવા મળ્યા બાદ રાત્રે ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે રૂ.2,68,015 પર માર્કેટ બંધ થયું હતું, ત્યારે આજે (3 ફેબ્રુઆરી) MCX પર માર્કેટના અંતે ભાવ રૂ.2,67,000 નોંધાયો છે. એટલે કે આજે એક દિવસમાં ચાંદીના ભાવમાં રૂ.1015 (0.38%) નો ઘટાડો થયો છે. દિવસ દરમિયાન ભાવ રૂ.2,78,000ની ઊંચી સપાટી અને રૂ. 2,45,711ની નીચી સપાટીએ સ્પર્શી હતી, તે મુજબ દિવસ દરમિયાન રૂ. 32,289 જેવી મોટી ઉથલ-પાથલ જોવા મળી છે.
સોનાના ભાવમાં પણ આજે તેજીનો કરંટ જોવા મળ્યા બાદ ઘટાડો થયો છે. ગઈકાલે રૂ.1,53,809 પર માર્કેટ બંધ થયું હતું, ત્યારે આજે (3 ફેબ્રુઆરી) MCX પર માર્કેટના અંતે ભાવ રૂ.1,53,650 નોંધાયો છે. એટલે કે આજે એક દિવસમાં ભાવમાં રૂ.159 (0.10%) નો ઘટાડો થયો છે. દિવસ દરમિયાન ભાવ રૂ.1,53,806ની ટોચે પહોંચીને નીચામાં 1,47,215 પર નોંધાયા છે. તે મુજબ આજે સોનાના ભાવમાં દિવસ દરમિયાન રૂ. 8,584ની ઉથલ-પાથલ જોવા મળી છે.
વૈશ્વિક બજારની વાત કરીએ તો, ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. સોનાનો ભાવ રાત્રે 12.00 વાગ્યા સુધીમાં $4,908.63 પર ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક માર્કેટમાં દિવસ દરમિયાન સોનાનો ભાવ હાઈમાં $4,991.52 અને લોમાં $4633.33 નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સોનાનો 52 સપ્તાહનો હાઈ $5,595.51 છે.
