ઘોર બેદરકારી / ઇડરના શનય કોમ્પ્લેક્ષ પાસે રસ્તા પર ફેંકાયો મેડિકલ વેસ્ટ, નાગરિકો ચિંતિત
શું આવા લોકો સામે કાર્યવાહી કરવામાં તંત્ર પણ નિષ્ફળ સાબિત થયુ છે?
એક તરફ હોસ્પિટલમાં સુવિધા અને સારવારના નામ પર દર્દીઓ પાસેથી મસમોટી ફી લેવામાં આવે છે તો બીજી તરફ હોસ્પિટલની લાપરવાહીને કારણે જ લોકોના જીવ જોખમાય છે. આવુ એટલા માટે કારણ કે કેટલાક હોસ્પિટલના સંચાલકો પોતાની ફરજ ભૂલી જાય છે. અને મે઼ડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરતા નથી. ઇડરમાં કેટલીક હોસ્પિટલોમાં મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી.
એક તરફ સરકાર જાહેર આરોગ્ય માટે સ્વચ્છતા અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન પર ભાર મૂકી રહી છે. લોકોને સુકો કચરો, ભીનો કચરો અને મેડિકલ વેસ્ટ અલગ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ કેટલાક હોસ્પિટલના સંચાલકો હજુ પણ જાહેર આરોગ્યની કોઈ પણ કદર કર્યા વિના કચરો મનમરજીથી જ્યાં ત્યાં ફેંકી રહ્યા છે. આવી બેદરકારી જાહેર સ્વાસ્થ્ય માટે સૌથી મોટો જોખમ બની શકે છે.
ખાસ કરીને, મેડિકલ વેસ્ટની વાત આવે તો તે માત્ર જોખમી જ નહીં, પણ ગંભીર અને ભયાનક પણ સાબિત થઈ શકે છે. આવા જ દ્રશ્યો ઇડર શહેરમાંથી સામે આવ્યા છે જ્યાં અત્યંત બેદરકારીથી અજાણ્યા શખ્સો દ્વારા રસ્તા પર ફેંકી દેવાયેલ મેડિકલ વેસ્ટનો ઢગલો જોવા મળ્યો છે.
ખુલ્લામાં ફેંકાતા સ્થાનિકોમાં રોષ
ઇડર શહેરના શનય કોમ્પ્લેક્ષ પાસે અજાણ્યા શખ્સો દ્વારા મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યો છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. કચરામાં પડેલ વપરાયેલી સોય, ઇન્જેક્શન , હાથમાં પહેરવાના વપરાયેલા મેડીકલ ગ્લોજ જેવા જોખમી તબીબી સાધનોનો સમાવેશ થાય છે, જે શહેરના રહેવાસીઓ અને પશુઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે મેડિકલ વેસ્ટ અહી કોણ ફેંકી ગયું?
ગાઇડલાઇનની સંપૂર્ણ અવગણના
સ્થાનિકોનો કહેવું છે કે, સામાન્ય રીતે મેડિકલ વેસ્ટનો નિકાલ સરકારની કડક ગાઇડલાઇન મુજબ કરવામાં આવવો જોઈએ, પરંતુ આ ઘટનામાં તેની સંપૂર્ણ અવગણના જોવા મળી રહી છે. ખુલ્લામાં પડેલી મેડિકલ વેસ્ટ ચેપ લગવાનો ડર વધારે છે
દોષિતો સામે કડક કાર્યવાહીની માગ
સ્થાનિકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક કચરો દૂર કરાવો, આસપાસના CCTVફૂટેજ તપાસીને જવાબદાર હોસ્પિટલ અથવા લેબોરેટરીની ઓળખ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરો. આ પ્રકારની બેદરકારી સમગ્ર શહેરના સ્વાસ્થ્ય માટે મોટા જોખમરૂપ બની શકે છે.જાહેર આરોગ્યને જોખમમાં મૂકતી આ ઘટનામાં તંત્રની કાર્યવાહી કેટલા ઝડપી અને અસરકારક થશે તે જોવું રહ્યું.
