સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આજે ૩૫ પરગણા ભાંભી સમાજ (ઈડર-વડાલી તાલુકો) દ્વારા સમાજના દ્રિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઈડર શહેરના બરવાવ રોડ પર આવેલી ગાયકવાડ રેસીડેન્સી ખાતે યોજાયેલા આ મંગલમય પ્રસંગે ઈડર, વડાલી અને આજુબાજુના પરગણાના કુલ ૨૫ નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિથી જોડાઈને નવજીવનની શરૂઆત કરી હતી.
આ સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીઓને દાતાઓ તરફથી ૨૭ જેટલી વિવિધ ઘરવપરાશની વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. આ ઉપરાંત:
- સમૂહ લગ્ન સમિતિ દ્વારા દરેક દંપતીને પલંગ અને તિજોરી અર્પણ કરવામાં આવ્યા હતા.
- નવદંપતીઓને સરકારશ્રીની ‘કુંવરબાઈનું મામેરું’ યોજના અને લગ્ન રજીસ્ટ્રેશન જેવી યોજનાકીય સહાયનો લાભ પણ મળવાપાત્ર થશે.
આ પ્રસંગે નટુભાઈ પરમાર મુખ્ય દાતા અને પ્રદેશ અધ્યક્ષ, ગુરુ રવિદાસ મહાપીઠ. ચંદુભાઈ પરમાર ઉદ્ઘાટક (મુંબઈ સ્થિત બિલ્ડર). બી. એચ. પરમાર પ્રમુખ, ઈડર ભાંભી સમાજ. કાંતિભાઈ પરમાર પ્રમુખ, પાંચ પરગણા ભાંભી સમાજ. સાબરકાંઠા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ, કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, અશોકભાઈ પટેલ (સાબર ડેરી ડિરેક્ટર). તથા દેવજીભાઈ કામદાર (પ્રમુખ, સમૂહ લગ્ન સમિતિ) અને બી. ડી. સોલંકી (કન્વીનર). સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનું પાઘડી, ફૂલહાર અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય લગ્નોત્સવમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. મહેમાનો માટે સાત્વિક ભોજન અને મિનરલ વોટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે ૧૦૮ ઇમરજન્સી સર્વિસ અને ફાયરબ્રિગેડની ટીમ પણ ખડેપગે તૈનાત રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મંત્રી કિરણભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા અને આર્થિક બચતના સંદેશ સાથે યોજાયેલ આ દ્રિતીય સમૂહ લગ્નોત્સવ સૌના સહકારથી સુપેરે સંપન્ન થયો હતો.


