- વારંવાર મેડિકલ વેસ્ટ ફેંકવાની ઘટનાઓથી સ્થાનિકો પરેશાન
- ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ની નિષ્ક્રિયતા સામે વેપારીઓ અને રાહદારીઓમાં ભારે રોષ
સાબરકાંઠા: ઇડર શહેરમાં આવેલા શનય કોમ્પ્લેક્સમાં ગટર લાઈન લીક થવાને કારણે આજુબાજુના વિસ્તારમાં ભારે ગંદકી અને દુર્ગંધ ફેલાઈ છે. કોમ્પ્લેક્સમાં આવેલી એક ખાનગી લેબોરેટરીની પાસે ગટર લાઈનમાં લીકેજ થતાં માનવ મળ અને યુરિન સીધા બહાર રોડ પર વહી રહ્યા છે. આ ગંભીર બેદરકારીના કારણે સ્થાનિક દુકાનદારો, ગ્રાહકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ગટર લાઈન કોમ્પ્લેક્સમાં કાર્યરત એક મેડિકલ લેબોરેટરીની હોવાનું મનાઈ રહ્યું છે. લેબોરેટરીમાંથી નીકળતું દૂષિત પાણી, યુરિન અને મળ સીધા જાહેર માર્ગ પર આવી રહ્યા છે. આ અસહ્ય ગંદકી અને તીવ્ર દુર્ગંધ વચ્ચેથી જ આજુબાજુના દુકાનદારો અને ખરીદી અર્થે આવતા ગ્રાહકોને પસાર થવાની ફરજ પડી રહી છે. શનય કોમ્પ્લેક્સ અને તેની આસપાસના વિસ્તારમાં માત્ર ગટર લાઈન જ નહીં, પરંતુ બાયો-મેડિકલ વેસ્ટ પણ ગમે ત્યાં ખુલ્લામાં ફેંકી દેવાના બનાવો અવારનવાર બનતા રહે છે. અહીં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.
આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક લોકોમાં એ વાતને લઈને ભારે આક્રોશ છે કે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ના અધિકારીઓ ક્યારે પોતાની એ.સી. ઓફિસોમાંથી બહાર નીકળીને ગ્રાઉન્ડ રિયાલિટી જોશે? પ્રદૂષણ બોર્ડ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આવી મેડિકલ સંસ્થાઓ સામે કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, તે એક મોટો સવાલ છે.
તંત્ર વહેલી તકે જાગે અને આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકો ઉગ્ર માંગ કરી રહ્યા છે.
