ઇડર: સામાજિક એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજનો અનોખો સંગમ આગામી ૨૬ એપ્રિલના રોજ ઇડર તાલુકાના ઉમેદપુરા ગામે જોવા મળશે. શ્રી દેહ પરગણા રોહિત સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૨૧ યુગલો પ્રભુતામાં પગલાં પાડશે. વિશેષ વાત એ છે કે, લગ્ન વિધિ પૂર્ણ કર્યા બાદ આ તમામ નવદંપતીઓ મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
લગ્ન અને લોકશાહીનો અનોખો સમન્વય
૨૬ એપ્રિલના રોજ મતદાન હોવાથી સમાજના આગેવાનોએ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. લગ્નવિધિ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી તમામ ૨૧ નવદંપતીઓ અને તેમના પરિવારજનો સાંજે ૫:૦૦ વાગ્યા પહેલાં ઉત્સાહપૂર્વક મતદાન કરી શકે. આ આયોજન દ્વારા સમાજે ‘પહેલા લગ્ન અને પછી મતદાન’નો એક પ્રેરણાદાયી સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
મહાનુભાવોની ઉપસ્થિતિ
ઉમેદપુરા મુકામે યોજાનારા આ ભવ્ય પ્રસંગે ધારાસભ્ય રમણલાલ વોરા અને પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર વિશેષ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે દાતાશ્રી જયંતિભાઈ માંણકાભાઈ પરમાર, સ્વ. વાલાભાઈ સોમાભાઈ પરમાર તથા સ્વ. નાનજીભાઈ હિરાભાઈ પરમાર પરિવાર (ઉમેદપુરા), કૌશિકભાઈ કચરાભાઈ મુસારીયા પરિવાર, તેમજ મનિષકુમાર મોતીભાઈ શાહ અને નરેન્દ્રકુમાર છગનલાલ દર્શક પરિવાર હાજર રહી તમામ નવદંપતીઓને આશીર્વાદ અને ભેટ અર્પણ કરશે.
આ કાર્યક્રમ અંગેની વિગતો આપવા માટે રોહિત સમાજના આગેવાનો દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે, પ્રથમ સમૂહ લગ્નોત્સવ હોવાથી સમાજમાં ભારે ઉત્સાહ છે અને કાર્યક્રમની સફળતા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
