વડાલી તાલુકામાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. વડાલીના લખેડા તળાવમાં માછલી પકડવા ગયેલા એક શ્રમિકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, વડાલીના લખેડા કંપા વિસ્તારમાં ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ગુજરાભાઈ નાથાભાઈ ગમાર આજે લખેડા ગામના તળાવમાં માછલી પકડવા માટે ગયા હતા. માછલી પકડતી વખતે અચાનક તેમનો પગ લપસતા અથવા અન્ય કારણોસર તેઓ તળાવના ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા. પાણીનું સ્તર વધારે હોવાને કારણે તેઓ પોતાની જાતને બચાવી શક્યા નહોતા અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે વડાલી પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ભારે જહેમત બાદ ગુજરાભાઈનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
વડાલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.
